July 8, 2024

24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાંતામાં 8 ઇંચ

અમદાવાદઃ રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમની અસર વર્તાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 25 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને રાહદારીઓ સહિત વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત વડગામમાં 4 ઇંચ, શહેરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના તિકલવાડામાં 2.5 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં 2 ઇંચ, ખેડાના કઠલાલમાં 2 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2 ઇંચ, તાપીના કુંકરમુંડામાં 2 ઇંચ, ખેડાના ઠાસરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

તો બીજી તરફ, મહીસાગરના કડાણામાં 2 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ, નર્મદાના નાંદોદમાં 1.5 ઇંચ અને ભરૂચના ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે ઠેર ઠેર વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.