October 21, 2024

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ; રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ ચોમાસાની ઋતુ પૂરી થવાને આરે છે પણ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી અરબ સાગર પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના માલ ભેરાળા, નાવદ્રા, કોડિદ્રા અને મંડોર સહિતના ગામોમાં ભારે વરસાદ પડતાં તારાજી સર્જાઈ છે. તો જૂનાગઢ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત, મેંદરડા વિસાવદર અને કેશોદ સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી સોનરખ નદીમાં પૂર આવ્યું છે અને ભવનાથ તળેટી જતાં રસ્તે પણ પાણી ભરાયા હતા. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યાં છે. જિલ્લાના ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ સહિતના તાલુકા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉપલેટાના તલંગણા, મોટી પાનેલી, કોલકી, રબારીકા, ખારચીયા, કાથરોટા, કુઢેચ, સમઢીયાળા, ડુમયાણી, સેવંત્રા, કેરાળા, મોજીરા, ગઢાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો.

આ ઉપરાંત ઓસમ ડુંગરમાં ભારે વરસાદ થતાં પાણી પણ વહેતા થયા હતા. બીજી તરફ દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગુંદા, ચાંદવડ, જામપર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેને લીધે ખેડૂતોને મોટું નુકસાન થાય છે.