June 30, 2024

7 દિવસ ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જેમાં આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં થન્ડરસ્ટ્રોર્મની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના બે જિલ્લાને ઓરેન્જ એલર્ટમાં મૂકી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

આ ઉપરાંત સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળશે. તેને લઈને હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે અને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, માતરમાં ‘મેઘકહેર’

તેમણે જણાવ્યુ હતુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચોમાસાની સિસ્ટમ મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચી ગઈ છે. મધ્ય ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.

ક્યારે ક્યાં વરસાદ પડશે?
26 જૂને આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27મી જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 28મી જૂને ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.