December 17, 2024

રાજ્યના 25 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 9 ઇંચથી વધુ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પોરબંદર તાલુકામાં 2.7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં 2.2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. કચ્છના નખત્રાણા, ગીર સોમનાથના ગારિયાધાર અને દ્વારકા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 18 જેટલા તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ આ બાબતે આગાહી કરતા જણાવે છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેઓ જણાવે છે કે, આ ઉપરાંત આગામી 24 કલાક સુધી પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં 64 મિમિ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોની આગાહી કરતા તેઓ કહે છે કે, ‘16 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જ્યારે 17 જૂને પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ વધુમાં જણાવે છે કે, ‘18 જૂને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અરવલ્લી, ખેડા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. ત્યારબાદ 19મી જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેઓ કહે છે કે, ‘આગામી પાંચ દિવસમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી ચાલુ થશે. અમદાવાદનું હાલનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું તાપમાન 40.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.’