June 30, 2024

રાજ્યના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન, રાજકોટમાં કલાકમાં 1 ઇંચ વરસાદ

અમદાવાદઃ 7 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લા અને શહેરોમાં મેઘો મહેરબાન થયો છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ભાવનગરના પાલીતાણામાં વરસેલા વરસાદ બાદ દુધાળા, ઘેટી, નનીમાળ, કંજરડા, દેડરડા ગામોના તળાવોમાં નવા નીરની આવક થઈ છે.

દ્વારકાના ખંભાળિયામાં અને રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજકોટમાં ગઈકાલે સાંજે એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાની સવારી આજે પણ યથાવત જોવા મળી છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

130 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 11 તાલુકામાં પોણા 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 89 તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. ત્યાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ખંભાળિયામાં પોણા 3 ઈંચ, સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબિર તાલુકામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના મુંદ્રામાં અને જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદર તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના પાલિતાણામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધીકા, સાવરકુંડલા, ટંકારા, વાલીઆ, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ છે. માંગરોળ, નેત્રંગ, માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ત્રણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 52 તાલુકામાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલોલ અને કરજણ તાલુકામાં નોંધાયો 1 ઈંચ વરસાદ વરસ્યો છે.