September 20, 2024

આવતીકાલથી શ્રાવણમાસ શરૂ, 72 વર્ષ પછી બન્યો આવો સંયોગ

Shravan 2024: સમગ્ર દેશમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે અને દેશવાસીઓ સમગ્ર વર્ષમાં શ્રાવણ માસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. કારણકે, આ મહિનામાં શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે. શ્રાવણ મહિનાની શરુઆતથી જ ચાતુર્માસ પણ શરુ થાય છે. ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે. જોકે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્વ હોય છે. શિવ ભક્તો આતુરતા પૂર્વક શ્રાવણ મહિનાની રાહ જોતા હોય છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ મહત્વ હોય છે સાથે સોમવારનું પણ એટલું જ મહત્વ હોય છે.

શ્રાવણના સોમવારનો શિવ ભક્તો ઉપવાસ રાખે છે અને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. શ્રાવણ મહિનો એટલા માટે ખાસ છે કે આ વખતે પાંચ સોમવાર આવે છે. સાથે જ એવી માન્યતા છે કે શિવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે. તમને જણાવી દઈએ કે 1952 બાદ 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ અને અંત સોમવારથી થતો હોય તેવો અનોખો યોગ આવ્યો છે. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. શ્રાવણ માસમાં વિવિધ શિવ મંદિરોમાં પૂજા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનાનો આવતીકાલે 5મી ઓગસ્ટને સોમવારથી શરૂઆત થનાર છે. જયારે શ્રાવણ માસનો અંત પણ સોમવારે 2જી સપ્ટેમ્બરના રોજ થશે. શ્રાવણ મહિનો શિવભક્તિ કરવાનો માસ ગણાય છે. વહેલી સવારથી શિવ ભક્તો શિવાલયમાં ઉમટી પડશે.

શ્રાવણ મહિનાના પાંચ સોમવાર
પહેલો સોમવાર – 5 ઓગસ્ટ
બીજો સોમવાર – 12 ઓગસ્ટ
ત્રીજો સોમવાર – 19 ઓગસ્ટ
ચોથો સોમવાર – 26 ઓગસ્ટ
પાંચમો સોમવાર – 2 સપ્ટેમ્બર

ભગવાન શિવને કેમ પ્રિય છે શ્રાવણ માસ?
પૌરાણિક કથાઓ અનુસાર, શ્રાવણ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વ્રત રાખ્યું હતું. તેમણે આ મહિનામાં કઠોર તપસ્યા પણ કરી હતી. જેથી ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. માનવામાં આવે છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર આવ્યા હતા અને તેમના સાસરે ગયા હતા. તેથી જ માનવામાં આવે છે કે શ્રાવણિયા સોમવારનું વ્રત કરવાથી કુંવારી કન્યાઓને સારો વર પ્રાપ્ત થાય છે.