ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ? SMCએ 2024માં 22 કરોડથી વધુનો દારૂ ઝડપ્યો
મિહિર સોની, અમદાવાદઃ ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ 2024માં ગયા વર્ષ કરતાં વધુ દારૂનો જથ્થો પકડ્યો છે. SMCએ દારૂના 455 કેસ કરીને 22.42 કરોડનો દારૂ ઝડપી લીધો છે. જ્યારે જુગારના 70 કેસ કરીને જુગારીઓ પાસેથી 80.48 લાખ રોકડા સહિત 3.61 કરોડનો મુદ્દામાલ કબજે કરાવ્યો હતો.
SMCએ રાજ્યભરમાં દારૂ અને જુગારના 534 કેસ કર્યા છે. જેમાં દારૂના સૌથી વધુ કેસ ગાંધીનગર રેન્જ, અમદાવાદ શહેર અને બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના રિંગરોડ અને શહેરના છેવાડાના પોલીસ સ્ટેશનની હદમાંથી જ રાત્રે દારૂની હેરાફેરીનું નેટવર્ક SMC ઝડપી લીધું છે.મોટા વાહનોના બદલે હવે બુટલેગર નાના વાહનોનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરવાની મોડ્સ ઓપરેન્ડી શરૂ કરી છે.
આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ બુટલેગર અને આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં દુબઈમાં છુપાયેલા દિપક ઠક્કર ઉર્ફે ડિલક્ષને દુબઈથી અને પાર્થ દોશીને પંજાબના અમૃતસર એરપોર્ટથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે આરોપી વિરૂદ્ધ લુકઆઉટ સકર્યુલર અને રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.
SMCએ ગુજરાતના કુખ્યાત બુટલેગરને ઝડપીને દારૂના નેટવર્કને ખુલ્લું પાડ્યું છે. મધ્યપ્રદેશમાં પિન્ટુ અને વિશ્વાસ ગડરી, રાજેસ્થાનમાં વશરામ, વાસુ, બાદલ અને દીક્ષા તેમજ હરિયાણા વાયા રાજેસ્થાનના કનેક્શનમાં ભરત ડાંગી, સુનિલ દરજી, ચિરાગ પંચોલીનું ખુલ્યું છે. 2024માં આ તમામ બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અનિલ પાંડિયા નામનો બુટલેગર વોન્ટેડ હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે. 2023ના વર્ષમાં 19 કરોડનો દારૂ પકડ્યો હતો, જ્યારે આ વર્ષે 22 કરોડનો દારૂ પકડવામાં આવ્યો છે. ગયા વર્ષ કરતાં 3 કરોડ રૂપિયાનો વધુ દારૂ પકડી પાડ્યો છે.