July 4, 2024

તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતો પુલ, હરણી બોટકાંડ અને હવે… આ ચાર દુર્ઘટના ગુજરાત ક્યારેય નહીં ભૂલે!

અમદાવાદઃ 25મી મેની સાંજે રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગતા બાળકો સહિત કુલ 27 લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે આ પહેલાં પણ આવી અનેક ઘટના બની હતી. જેમાં સરકારની ગંભીર બેદરકારી સામે આવી હતી. છેલ્લી ચાર મોટી દુર્ઘટનાની વાત કરીએ તો, તેમાં સુરતમાં થયેલો તક્ષશિલા અગ્નિકાંડ, ત્યારબાદ મોરબીમાં થયેલી ઝુલતો બ્રિજ પડવાની દુર્ઘટના, પછી વડોદરામાં થયેલી હરણી બોટ દુર્ઘટના અને હવે રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ.

તક્ષશિલા અગ્નિકાંડ – મે, 2019
24 મે, 2019ના દિવસે સુરતમાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એરકન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી અને ત્યરબાદ બહાર લગાવેલા હોર્ડિંગ્સમાં આગ પ્રસરી હતી. જોતજોતામાં મીટરરૂમ સુધી આગ પહોંચી અને સમગ્ર બિલ્ડિંગનો એક ભાગ સળગી ઉઠ્યો. બિલ્ડિંગના પ્રથમ અને બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફતે નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ નહોતી. જ્યારે ત્રીજા માળે ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો. છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે આગ પ્રસરી ગઈ હતી. ચોથા માળે આગ પહોંચતા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, એમાં પણ અમુક વિદ્યાર્થીના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં કુલ 22 માસૂમોના જીવ ગયા હતા.

મોરબી ઝૂલતો પુલ – ઓક્ટોબર, 2022
30 ઓક્ટોબર 2022ના દિવસે દિવાળીના વેકેશનની છેલ્લી રજા હતી અને મોરબીનો ઝૂલતો બ્રિજ સમી સાંજે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 134 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં પણ મોટી સંખ્યામાં બાળકોનાં મોત નીપજ્યા હતા. તેમાં સૌથી વધુ 10થી 30 વર્ષના તરૂણ અને યુવા વયના લોકોએ જીવ ગુમાવ્યો છે. 1થી 10 વર્ષનાં 30 બાળકો મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા હતાં. જ્યારે 30થી 65 વર્ષના 34 લોકોએ જિંદગી ગુમાવી છે. માત્ર 3 સેકન્ડમાં જ 134 લોકોએ જિંદગીને અલવિદા કરી હતી.

હરણી બોટકાંડ – જાન્યુઆરી 2024
18 જાન્યુઆરી, 2024ના દિવસે હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં બોટ ડૂબવાની દુર્ઘટના બની હતી. જેમાં વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ ધોરણ 1થી 6ના બાળકો મોટનાથ તળાવના પ્રવાસે યા હતા. ત્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ દુર્ઘટનામાં કુલ 14 લોકોનાં મોત થયા હતા. જેમાં બે શિક્ષક અને 12 બાળક મોત થયા હતા. જો કે, ફાયર વિભાગ દ્વારા 11 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હતા.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ – મે, 2024
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીના અપડેટ પ્રમાણે 27 લોકોનાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઈ ગયું છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈને આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી. આ ઘટના બાદ સંચાલક અને મેનેજર સહિત ચારની ઘરપકડ કરવામાં આવી છે.