November 22, 2024

વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી નવી ગાઇડલાઇન

અમદાવાદ: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં નહીં પરંતુ દેશમાં ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. હિન્દુ મુસ્લિમના આ ઝગડામાં માનવતા ખોવાઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. જોકે શાંતિ અને સલામતી માટે ગુજરાત યુનિવર્સિટીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેનું હવેથી પાલન કરવાનું રહેશે.

શું જાહેર કરાયું પરિપત્રમાં?
આ પરિપત્રમાં વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોઈપણ સ્વરૂપમાં રેગિંગ પર સખત પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જો કોઈ દોષિત ઠરશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે હોસ્ટેલમાં નશાકારક પદાર્થનું સેવન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોસ્ટેલમાં આવતા મુલાકાતીઓએ વિઝિટર બુકમાં ફરજિયાત એન્ટ્રી કરવાની રહેશે. કોઈ પણ વ્યક્તિને હોસ્ટેલમાં રાતવાસો કરવાની પરવાનગી મળશે નહીં મળે. મહેમાન રાત્રી રોકાણ કરવા માંગતા હશે તો વોર્ડનની પરવાનગી ફરજીયાત લેવાની રહેશે.બોયઝ હોસ્ટેલમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી ગર્લ્સને પ્રવેશ નહીં મળે. છોકરાઓને ગર્લ હોસ્ટેલમાં પરવાની વિના પ્રવેશ નહીં મળે. વિદ્યાર્થિનીઓ રાત્રે 10.00 વાગ્યા સુધીમાં છાત્રાલયમાં પરત ફરવું પડશે.

દંડ ફટકારશે
કોઈ બહાર રહેવા માંગતું હોય તો યોગ્ય કારણ દર્શાવવુ પડશે. હોસ્ટેલ ઓથોરિટીને કારણ દર્શાવી પરવાનગી લેવી ફરજીયાત કરવામાં આવી. હોસ્ટેલના સાધનો, ફ્યુમિચર, મેસ પ્રોપર્ટી કાળજીપૂર્વક સંભાળવી ફરજીયાત. તેનો દુરુપયોગ અથવા છેડછાડ કરી શકશે નહિ જો તેમ થશે તો દંડ ફટકારશે.વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સુચન. અંગત કામ માટે વિદ્યાર્થી હાઉસકીપિંગની સેવાનો ઉપયોગ નહીં કરી શકે. વિદ્યાર્થીની પરવાનગી વિના અન્ય વિદ્યાર્થીની રૂમમાં પ્રવેશી નહીં શકે.માંદગી અને અકસ્માતના દરેક કેસની જાણ હોસ્ટેલના ઓથોરિટીને કરવાની રહેશે.

ધાર્મિક પ્રવૃત્તિ નહીં
વોર્ડનની પરવાનગી વગર છાત્રાલયના પરિસરમાં ઉજવણી નહી કરી શકાય. ચેપી રોગથી પીડિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા દેવામાં આવશે નહીં.અપમાનજનક અને ધમકીભરી ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓને સજા થશે. શારીરિક ઝઘડા, બળપ્રયોગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને સજા ફટકારાશે. અન્યાયી કૃત્ય આચરવા વગેરે સજા ફટકારવામાં આવશે. પ્રતિબંધિત કસૂરવારોને સજા થશે, પુનરાવર્તિત કૃત્યો છાત્રાલયની ફાળવણી રદ કરશે. જાહેર જગ્યા કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરી શકાય.

શું હતો સમગ્ર મામલો?
ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોક કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આફ્રિકા અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસમાં અજાણ્યા ટોળાએ આવીને વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ પથ્થર મારતા સામે ટોળાએ પણ પથ્થરમારો કર્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે. કટ્ટર અસામાજિક તત્વોના ટોળાએ વિદ્યાર્થીઓના વ્હિકલમાં તોડફોડ પણ કરી હતી. આ ઉપરાંત હોસ્ટેલના રૂમમાં પણ તોડફોડ કરવામાં આવી છે.