June 28, 2024

24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, માતરમાં ‘મેઘકહેર’

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતના 37 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ તો 116 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખેડાના માતર તાલુકામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે.

તો પંચમહાલના કાલોલ તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ, સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં 3.5 ઈંચ વરસાદ, ખેડાના મહેમદાબાદમાં સવા 3 ઈંચ વરસાદ, ધંધુકા અને લાલપુર તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

રાજ્યના 4 તાલુકામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વાલોડ, ખેડા, ઓલપાડ, માણસામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 5 તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, નખત્રાણા, દહેગામ, વ્યારા અને વઘાઈ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના બે તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરેઠ અને બાવળા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 52 તાલુકામાં વરસાદ, ડેસરમાં જળબંબાકાર

સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાએ માહોલ જમાવી દીધો છે. ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી છે. આ ઉપરાંત રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, ડાંગ, વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસે તેવી આગાહી છે.

બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયામાં પણ કરંટ વધુ જોવા મળે તેવી શક્યતા છે. ત્યારે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.