ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ-2025નો પ્રવેશ કાર્યક્રમ જાહેર, 30 એપ્રિલ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી

અમદાવાદ: આજરોજ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025 માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. 14 સ્નાતક , 3 સ્નાતકોત્તર , 20 અનુસ્નાતક , 5 અનુસ્નાતક ડિપ્લોમા/ ડિપ્લોમા અભ્યાસક્રમની 1630 જેટલી બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2025 છે.
પ્રવેશ સમિતિના સંયોજક પ્રો.અજય પરીખે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિધાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Teat for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠદ્વારા પરીક્ષા આગામી 11/05/2025ના રોજ રાજ્યના 30 કેન્દ્રો પર લેવાશે.
પ્રવેશ પરીક્ષા 60 પ્રશ્નોની રહેશે જે માટે 90 મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. કસોટી સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારીત OMRથી લેવામાં આવશે. કસોટીનું પરિણામ 11/05/2025ના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પરામર્શન અને પ્રવેશ કાર્યવાહી 13-14 મે, 2025 દરમ્યાન યોજાશે. તથા નવું સત્ર 1લી જુલાઈથી શરુ થશે એમ પ્રો.અજય પરીખે ઉમેર્યું હતું.