ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું

અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે સ્નાતક સંઘ, શતાબ્દી વર્ષ મહોત્સવ અંતર્ગત ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ માટે 6, એપ્રિલ રવિવારના રોજ મહાદેવ દેસાઈ સંકુલમાં પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળના સમયના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હર્ષદ ચૌધરી, નાયબ નિયામક, શાળા પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમના વિદ્યાપીઠના સ્મરણો વાગોળ્યા હતા અને તેમની કારકિર્દીના ઘડતરમાં વિદ્યાપીઠનો વિશષ ફાળો છે. તેમજ અતિથિ વિશેષ મહેશભાઈ પ્રજાપતિ ડેપ્યુટી સેક્રેટરી પંચાયત વિભાગ સચિવાલય ગુજરાત રાજ્ય ગાંધીનગરએ તેમના અનુભવો અને કારકિર્દી ઘડતરમાં વિદ્યાપીઠનું યોગદાન વિશે વાત કરી હતી.

કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે આશીર્વચન આપ્યું હતું. સાથેસાથે ગૂજરાત વિદ્યાપીઠ માટે કોર્પસ ભંડોળ ભેગું કરવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો યાદ કર્યા હતા અને વિદ્યાપીઠમાં જ્યારે પણ આવા કાર્યક્રમોનું આયોજન થશે ત્યારે અમે તેમાં અચૂક ઉપસ્થિત રહીશું તેવી બાંહેધરી આપી હતી.

આગામી 6 ડિસેમ્બર, 2025ના રોજ સ્નાતક સંઘ દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાશે. જેમાં વિદ્યાર્થીઓને તેમના પરિવાર સહ જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓ પાસે સમય, જ્ઞાન અને આર્થિક સહયોગ માટે અપીલ કરવામાં આવી હતી.

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતક શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્નાતક સંઘ તથા ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં 101 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ તથા વિભાગના અધ્યક્ષ ડૉ. કનૈયાલાલ નાયક, ડૉ. રાજુભાઈ જોષી, ડૉ. મુંજાલ ભીમડાકર, ડૉ. વિક્રમસિંહ અમરાવત, ડૉ. જેનામાબેન કાદરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. મોતી દેવુંએ કર્યું હતું.