આગામી 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત થશે, જાણો હવામાન વિભાગની આગાહી

ગાંધીનગરઃ રાજ્યમાં ઉનાળાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાહત આપનારી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, બે દિવસ ગરમીથી ગુજરાતવાસીઓએ શેકાવું પડશે. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે, આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતીકાલે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી રહેશે. ભાવનગરમાં રાત્રે પણ ગરમ પવન રહેતા ગરમીનો અહેસાસ થશે. આગામી 48 કલાક બાદ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.