ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થવાની સંભાવના
અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે અચાનક આવેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે. સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ અને અન્ય જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી પાક પર ગંભીર અસર જોવા મળી છે.
સાબરકાંઠામાં ચોમાસા જેવી સ્થિતિ
વિજયનગર, પોશીના, વડાલી, હિંમતનગર અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તેને કારણે બટાકા, ચણા, ઘઉં અને વરિયાળી જેવા પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ છે. ભરશિયાળે આચાનક પડેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે.
અરવલ્લીના યાર્ડમાં રાખેલો પાક પલળ્યો
અરવલ્લીના ભિલોડા, ટીંટોઈ, ઈસરોલ અને માલપુર જેવા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. તેને કારણે ભિલોડાના યાર્ડમાં રાખેલા કપાસ અને મગફળીના પાક પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઘઉં, ચણા અને બટાકાનાં પાકમાં પણ નુકશાન થવાની શક્યતાઓ છે.
મેઘરજ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ
મેઘરજ, પહાડીયા, સિસોદરા અને બેડજ ગામમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેને કારણે ચણા, બટાકા અને ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. તેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. કમોસમી વરસાદથી રાજ્યભરના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે. પાક નાશ પામવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં પાક પર ખતરો
વલસાડના કપરાડા તાલુકા સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો હતો. તેને કારણે મકાઈ, તમાકુ અને શાકભાજી જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ છે.