June 30, 2024

હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, હવે 5 દિવસ ગરમી ભૂક્કા બોલાવશે

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો હજુ વધુ ઉંચકાઈ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો મોડે સુધી ખુલ્લા રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હિટવેવ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગઈકાલે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

તો બીજી તરફ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેને કારણે ગરમીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ગરમી સંબંધિત બીમારીના 3800થી વધુ કેસ નોંધાયા છે. મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં કુલ 189 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

જ્યારે પેટમાં દુખાવાના 2524 કેસ, હાઇફિવરના 464 અને સર્વાઇવલ હેડએકના 109 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગરમીને કારણે ચક્કર આવતા પડી જવાના 771 કેસ નોંધાયા છે. ગરમીને ધ્યાને રાખી મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટર સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રાખવા આદેશ આપવામાં આવ્યા છે.