July 2, 2024

ગુજરાત યુથ ફોરમે માગી ‘શહીદ વૃક્ષ સ્મારક’ બનાવવાની મંજૂરી, 600 વૃક્ષ કાપતા લોકોમાં રોષ

અમદાવાદઃ શહેરમાં અનોખું સ્મારક બનશે. સીજી રોડ પર શહીદ વૃક્ષ સ્મારક બનાવવા માટે ગુજરાત યુથ ફોરમ દ્વારા મંજૂરી માગવામાં આવી છે. સીજી રોડ પર ઝવેરી એન્ડ કંપનીએ 600 જેટલા વૃક્ષો કાપી નાંખ્યા હતા. ત્યારબાદ અમદાવાદીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેને લઈને યુથ ફોરમ દ્વારા શહીદ વૃક્ષ સ્મારક બનાવવા માટે મંજૂરી માગી છે.

જો અમદાવાદ મહાનગરપાલિકા સ્મારક બનાવવા માટે મંજૂરી આપી દેશે તો આ વિશ્વનું પહેલું શહીદ વૃક્ષ સ્મારક અમદાવાદમાં બનશે. શહીદ વૃક્ષ સ્મારક લોકોને વૃક્ષોની શહીદી અને હત્યારાની યાદ ચિરકાલીન બનાવશે. ક્લાયમેન્ટ ચેન્જ માટે કાપવામાં આવતા વૃક્ષોને બચાવવા માટે અનિવાર્ય છે.

તેમણે પત્ર લખી મહાનગરપાલિકા પાસે મંજૂરી માગી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘આ સ્મારકથી લોકોમાં એક જાગૃતિ આવે કે આપણે વૃક્ષો ન કાપવા જોઈએ તથા જે લોકોએ નિર્દોષ-મૂંગા વૃક્ષોની કતલ કરી છે, તેમના વિરુદ્ધમાં પણ જાગૃતિ આવે તે ઇરાદા સાથે ‘શહીદ વૃક્ષ સ્મારક’ બનાવવામાં આવશે.’

આ ઉપરાંત તેમણે પત્રમાં લખ્યું છે કે, આ સ્મારક માટે કોઈપણ પ્રકારનું નવું બાંધકામ કરવાનું નથી કે નથી કોઈ અડચણરૂપ થાય તેવી પ્રવૃતિ કરવાની, માત્ર દિવાલ પર તકલી લગાવીને જ સ્મારક બનાવવામાં આવશે. આમ, તેમણે મંજૂરી માગી છે.