October 5, 2024

Haryana Exit Poll Result 2024: હરિયાણામાં બની શકે કોંગ્રેસ સરકાર, BJP હેટ્રીક ચૂકી

Haryana Exit Poll Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. એક્ઝિટ પોલના આંકડા ભાજપ માટે ટેન્શન અને કોંગ્રેસ માટે ખુશીના સમાચાર લાવ્યા છે. ભાજપ પરિણામોમાં હેટ્રિક મારવામાં નિષ્ફળ જતી જોવા મળી રહી છે.

8 ઓક્ટોબરની રાહ જુઓ: અનિલ વિજ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં ભાજપ હેટ્રિક ફટકારવામાં નિષ્ફળ જણાઈ રહ્યું છે. આ અંગે હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે આ પ્રકારની આગાહીઓ પહેલા પણ ઘણી વખત ખોટી સાબિત થઈ છે અને આ વખતે પણ ખોટી સાબિત થશે. બસ 8મી ઓક્ટોબરે ચૂંટણીના પરિણામોની રાહ જુઓ.

ઈન્ડિયા ટુડે-સીવોટરના સર્વેમાં કોંગ્રેસને બહુમતી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે હાથ ધરાયેલા એક્ઝિટ પોલમાં ઈન્ડિયા ટુડે-સીવોટરે પણ કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે. સર્વે અનુસાર હરિયાણામાં કોંગ્રેસને 50-58 સીટો મળી શકે છે. સાથે જ ભાજપને 20-28 સીટો સુધી સીમિત રહેવું પડી શકે છે. આ સિવાય જેજેપી શૂન્યથી બે બેઠકો પર અને અન્ય 10-14 બેઠકો પર આગળ થવાની ધારણા છે.

હરિયાણામાં એક્ઝિટ પોલના પરિણામો કોંગ્રેસની તરફેણમાં
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે જુદી જુદી સર્વે એજન્સીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા એક્ઝિટ પોલના પરિણામોએ કોંગ્રેસ સરકારની રચનાની એકસરખી આગાહી કરી છે.

  • ધ્રુવ રિસર્ચ મુજબ કોંગ્રેસને 50-64 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 22-32 બેઠકો મળી શકે છે.
  • પી-માર્કના પોલ પ્રમાણે કોંગ્રેસને 51-61 અને ભાજપને 27-35 સીટ મળવાની ધારણા છે.
  • પીપલ્સ પલ્સ સર્વેમાં કોંગ્રેસ 49-61 સીટો પર અને ભાજપ 20-32 સીટો પર આગળ ચાલી રહી છે.
  • દૈનિક ભાસ્કરના સર્વેમાં કોંગ્રેસને 44-54 બેઠકો મળતી જોવા મળી રહી છે જ્યારે ભાજપને 15-29 બેઠકો મળી રહી છે.
  • એનડીટીવીના પોલમાં કોંગ્રેસને 55 સીટો, ભાજપને 25 સીટો અને આઈએનએલડીને 3 સીટો મળી શકે છે.
  • ઈન્ડિયા ટીવીના પોલમાં કોંગ્રેસને 44-54 સીટો અને ભાજપને 19-29 સીટો મળવાની સંભાવના છે.