June 28, 2024

કેજરીવાલને સુપ્રીમમાં ન મળી રાહત, HCમાંથી ફરિયાદ પછી લો અથવા ચુકાદાની રાહ જુઓ: SC

Delhi: દિલ્હી લિકર પોલીસ સ્કેમ કેસમાં જામીન પર સ્ટેને પડકારતી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જોકે, હાલ પૂરતા તો કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાં રાહત નથી મળી. કેજરીવાલે દાખલ કરેલી અરજીમાં દિલ્હી હાઈકોર્ટના જામીન પર રોક લગાવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે હાઈકોર્ટ તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી કારણ કે આવો જ એક કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા હાઈકોર્ટમાંથી તમારી અરજી પરત ખેંચો પછી અમારી પાસે આવો.

હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરશે. એટલે કે હાઇકોર્ટના આદેશની રાહ જોવામાં આવશે. બુધવારે સુનાવણી પહેલા આશા છે કે દિલ્હી હાઇકોર્ટનો આદેશ પણ આવી જાય.

હાઇકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ….

સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન મુક્તિના આદેશ પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે આપણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે હાઈકોર્ટે નિર્ણય રિઝર્વ રાખ્યો છે ત્યારે અમારા માટે દખલ કરવી યોગ્ય નથી. અમે બુધવારે અરજી પર સુનાવણી કરીશું. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે જ્યારે દિલ્હી હાઈકોર્ટ ઓર્ડરની કોપી અપલોડ કર્યા વિના સ્ટે લગાવી શકે છે તો સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટના આદેશ વિના તેના પર સ્ટે મૂકી શકે છે.