July 7, 2024

હેમંત સોરેન આજે જ લેશે મુખ્યમંત્રી પદના શપથ, ત્રીજીવાર સંભાળશે ઝારખંડનું સુકાન

ઝારખંડ: ઝડપથી બદલાતા અને બગાડતાં ઝારખંડના રાજકારણ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આજે સાંજે 5 વાગે એકવાર ફરી રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ ત્રીજી વખત રાજ્યનું સુકાન સંભાળશે. આ પહેલા તેમને INDI ગઠબંધનના ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્યપાલ સીવી રાધાકૃષ્ણને INDI ગઠબંધનના નેતાઓને આમંત્રિત કર્યા હતા. થોડી જ વારમાં વિપક્ષી ગઠબંધનના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની સાથે રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.

રાજ્યપાલે આપ્યું સરકાર બનાવવા આમંત્રણ 
આ દરમિયાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને નિયુક્ત મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા અને તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવા આમંત્રણ આપ્યું. જોકે, ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે રાજ્યપાલે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. શપથ ગ્રહણ સમારોહ 7 જુલાઈએ યોજાશે. નક્કી કરવામાં આવ્યું છે કે હેમંત સોરેન આ દિવસે તેમની નવી કેબિનેટ સાથે શપથ લેશે. પરંતુ, થોડા જ સમય બાદ સમાચાર આવ્યા કે હેમંત આજે જ સીએમ તરીકે શપથ લેશે.

ચંપઈ સોરેન રહેશે સંકલન સમિતિના અધ્યક્ષ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ત્યારબાદ, ચંપઈ સોરેને ધારાસભ્ય દળના નેતા અને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેનના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો. તો, ચંપઈ સોરેન સંકલન સમિતિના અધ્યક્ષ રહેશે. ત્યારબાદ, હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

ચંપઈ સોરેનના ઘરે મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય
આ પહેલા ચંપઈ સોરેનના ઘરે ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય દળના નેતા હશે. બેઠકમાં કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, હેમંત સોરેનના ભાઈ બસંત સોરેન અને પત્ની કલ્પના સોરેન પણ હાજર રહ્યા હતા.

હેમંત સોરેનની 28 જૂને થઈ હતી જેલ મુક્તિ
પૂર્વ સીએમ હેમંત સોરેનને લગભગ પાંચ મહિના બાદ 28 જૂનના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ જેલ મુક્ત થયા હતા. હેમંત સોરેને 31 જાન્યુઆરીના રોજ ધરપકડ થયા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.