January 7, 2025

HNGUમાં મેડિકલમાં ખોટી રીતે એડમિશન આપવા મામલે હોબાળો, યોગ્ય તપાસની માગ

ભાવેશ ભોજક, પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનાં નિયમો વિરુદ્ધ વિધાર્થીઓને પ્રવેશ આપવા મામલે આજે યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા પાટણ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે યોગ્ય તપાસ કરવાની માગ ઉચ્ચારવામાં આવી છે.

યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ યુવરાજસિંહ જાડેજા સહિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ન્યાય મામલે ભારે સૂત્રોચ્ચાર કરી પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજમાં તારીખ વીતી ગયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તે અંગે કાઉન્સિલને પણ જાણ કરવામાં આવી નથી અને આવા 400થી વધુ વિદ્યાર્થીઓનું એક સત્ર પણ પૂર્ણ થઈ ગયું અને પરીક્ષા પણ લેવાઈ ગઈ. હવે આ તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં થશે કે કેમ તેના પર સવાલ ઉભા થવા પામ્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જાય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

આ પણ વાંચોઃ નખત્રાણામાં રસ્તાઓ નદીમાં ફેરવાયાં, સમગ્ર શહેરમાં જળબંબાકાર

આ ઘટનામાં મોટો ભ્રષ્ટ્રાચાર થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ બાબતે રજૂઆત કરવામાં આવતા અન્ય યુનિવર્સિટી દ્વારા કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નથી. માત્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગેરરીતિ કરી તારીખ વીતી ગયા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ નર્સિંગ કોર્સનો અભ્યાસ કર્યા બાદ આ ડિગ્રી માન્ય રહેશે કે કેમ તેના પર પણ સવાલ ઉભા થવા પામ્યા છે. આ અંગે રજૂઆત કરી છે, પણ યુનિવર્સિટીનાં કુલપતિએ તપાસ મામલે 12થી 15 દિવસનો સમય આપવામાં આવે તેવી માગણી કરી છે. આ મામલે જો ન્યાય નહિ મળે તો યુનિવર્સિટી પરિસરમાં મહાઆંદોલન, આરોગ્ય મંત્રીનાં ઘરનો ઘેરાવો કે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એ પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ કપડવંજમાં કરંટ લાગતા મહિલાનું મોત, બે બાળકો નોંધારા બન્યાં

આ અંગે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિએ જણાવ્યું હતું કે, નર્સિંગ કોલેજો દ્વારા જે પ્રવેશ આપવામાં આવ્યો છે. તેનું રજીસ્ટ્રેશન યુનિવર્સિટીએ કર્યું છે અને તારીખ વીત્યા બાદ જે વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો છે. તેની વિગતો કેટલીક આવી છે તે કાઉન્સિલમાં મોકલેલી છે. બાકી વિગતો પત્ર લખી માંગી છે, આવ્યા બાદ મોકલી આપશું અને જરૂર પડશે તો કાઉન્સિલમાં રજૂઆત પણ કરશું.