January 16, 2025

અદાણીથી પંગો લેવો પડ્યો ભારે, શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચની દુકાનને વાગ્યા તાળા

Hindenberg Shuts Down: યુએસ શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ હવે બંધ થઈ ગયું છે. કંપનીના સ્થાપક નેટ એન્ડરસને આ જાહેરાત કરી છે. આ એ જ હિન્ડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેના પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો હતો.

હિન્ડનબર્ગ રિસર્ચના વડાએ આ નિર્ણય કેમ લીધો?
નેટ એન્ડરસને તેમના નિવેદનમાં કહ્યું, મેં ગયા વર્ષના અંતથી પરિવાર, મિત્રો અને અમારી ટીમ સાથે શેર કર્યું છે કે મેં હિન્ડનબર્ગ રિસર્ચને બંધ કરવાનો નિર્ણય લીધો છે. એન્ડરસને જણાવ્યું હતું કે, કંપનીના તપાસ વિચારોની પાઇપલાઇન પૂર્ણ કર્યા પછી તેને બંધ કરવાનો વિચાર હતો. હિન્ડનબર્ગ રિસર્ચે તાજેતરમાં પોન્ઝી યોજનાઓ સંબંધિત તેના છેલ્લા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા, આમ તેની પ્રવૃત્તિઓનો અંત આવ્યો.

અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ હતો
જાન્યુઆરી 2023 માં અદાણી ગ્રુપના સ્ટોકનું શોર્ટ સેલિંગ કરતી વખતે અમેરિકાના હિન્ડનબર્ગ રિસર્ચ એલએલસીએ દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપના શેર તેમના વાજબી મૂલ્યાંકન કરતા 85 ટકા મોંઘા છે. હિન્ડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં જૂથ પર બજાર હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો છે. આ રિપોર્ટ જાહેર થયા પછી, અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. આ પછી અદાણી ગ્રુપના શેરનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયાથી વધુ ઘટી ગયું હતું. આ રિપોર્ટ બહાર આવ્યા પછી, અદાણી એન્ટરપ્રાઇઝિસની 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) રદ કરવી પડી.

આ પણ વાંચો: અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

અદાણી ગ્રુપે આરોપોને નકારી કાઢ્યા
હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી ગ્રુપે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત રિપોર્ટથી અમને આશ્ચર્ય થયું છે કારણ કે તેમણે આ રિપોર્ટ અમારો સંપર્ક કર્યા વિના કે સાચા તથ્યોની ચકાસણી કર્યા વિના પ્રકાશિત કર્યો છે. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે આ અહેવાલ પસંદગીયુક્ત ખોટી માહિતી અને જૂના, પાયાવિહોણા અને માનહાનિભર્યા આરોપોનું દૂષિત મિશ્રણ છે જેને ભારતની સર્વોચ્ચ અદાલતો દ્વારા પરીક્ષણ અને નકારી કાઢવામાં આવ્યા છે. અદાણી ગ્રુપે રિપોર્ટના સમય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.