November 23, 2024

મંદિર પર હુમલા બાદ કેનેડામાં હિંદુઓ એક થયા, PM મોદીએ કરી નિંદા

Canada Attack On Hindu Temple: કેનેડામાં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ હિંદુઓ અને મંદિરો પર હુમલો કર્યો છે. આ દરમિયાન હિંદુઓને એક કરવાના પ્રયાસો પણ તેજ થયા છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાથી નારાજ હિંદુઓ એક થઈ રહ્યા છે અને આવા હુમલાઓ સામે એકજૂથ થવા માટે હિંદુઓએ સીએમ યોગીના સૂત્ર ‘બટેંગે તો કટેંગે’નો ઉપયોગ કર્યો છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા બ્રેમ્પટન મંદિરના પૂજારીએ કહ્યું કે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલો આ હુમલો સમગ્ર વિશ્વમાં હિંદુઓ પર હુમલો છે. તેમણે કહ્યું કે આજે હિંદુઓને એક થવાની જરૂર છે, જો આપણે એક નહીં રહીએ તો સુરક્ષિત નહીં રહી શકીએ.

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની પીએેમ મોદીએ ટિકા કરી છે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યુ, “હું કેનેડામાં એક હિન્દુ મંદિર પર જાણી જોઇને કરવામાં આવેલા હુમલાની ટિકા કરૂં છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા-ધમકાવવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ એટલો જ ભયાનક છે. હિંસાના આવા કૃત્ય ક્યારેય પણ ભારતના સંકલ્પને નબળા નહીં કરે. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાના શાસનને જાળવી રાખે.”

જો આપણે એકજૂટ રહીશું તો સુરક્ષિત રહીશું
આ ઘટના બાદ કેનેડાના હિંદુઓમાં નારાજગી સતત વધી રહી છે. હવે બ્રેમ્પટન મંદિરના પૂજારીએ એકતા બતાવવા વિનંતી કરી અને ‘બટેંગે તો કટેંગે’ના નારા લગાવ્યા. બ્રેમ્પટન મંદિરના પૂજારીએ કહ્યું કે હવે બધાએ એક થવું પડશે. કેનેડામાં હિન્દુઓએ એક થવાની જરૂર છે. જો તમે એકજૂટ રહેશો, તો તમે સુરક્ષિત રહેશો.

‘બધાએ એક થવું પડશે’
મંદિરની બહાર એકજૂટ થયેલા હિન્દુઓએ ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા. પૂજારીએ કહ્યું કે માત્ર સૂત્રોચ્ચાર ન કરવા જોઈએ. આજે સમય આવી ગયો છે જ્યારે આપણે એક થવાની જરૂર છે. આપણે ફક્ત પોતાના વિશે જ નહીં, ભવિષ્ય વિશે પણ વિચારવું પડશે, બધાએ એક થવું પડશે. અમે કોઈનો વિરોધ કરતા નથી.

હિન્દુ મંદિરમાં ભક્તો પર હુમલો
નોંધનીય છે કે, રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિરમાં શ્રદ્ધાળુઓના સમૂહને નિશાન બનાવ્યું હતું. આ ઘટનાથી હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો છે. ખુદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

ભારત સરકારની નિંદા
કેનેડાના બ્રામ્પટન શહેરમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા બાદ ભારતનું કડક વલણ જોવા મળી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે અમે કેનેડા સરકાર પાસે ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. આશા છે કે હિંસામાં સામેલ લોકોને સજા થશે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે.