July 8, 2024

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે, ભગવાન જગન્નાથની મંગળા આરતી કરશે

જયેશ ચૌહાણ, અમદાવાદ: લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પહેલી વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાની બે દિવસની મુલાકાત દરમિયાન અમિત શાહ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.

મળતી માહિતી મુજબ, આવતી કાલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે, સૌપ્રથમ તેઓ ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ, બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના ચાંગડા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત બાદ દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કરશે. બાદમાં, સાંજે 5 કલાકે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત કરશે અને સાંજે 6 વાગ્યે ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેનો સાથે બેઠક કરશે.

પોતાની મુલાકાતના બીજા દિવસે 7 જુલાઈના રોજ સવારે અમિત શાહ 4 કલાકે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે. 7 જુલાઈના સવારે 10.30 કલાકે નારણપુરા ખાતે SLiMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. બાદમાં સવારે 11 કલાકે આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.