May 10, 2024

ઉનાળામાં ઘરે જ બનાવો શિકંજી મસાલો, શરીર માટે છે ખૂબ ફાયદાકારક

અમદાવાદ: ઉનાળા દરમિયાન બજારમાં ઘણા પ્રકારના પીણાં ઉપલબ્ધ હોય છે. જે તમને તાજગીનો અનુભવ કરવા ઉપરાંત એનર્જી વધારવાનો પણ દાવો કરે છે, પરંતુ મોટાભાગના પીણાંમાં રંગ અને સ્વાદ માટે પ્રિઝર્વેટિવ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તેથી ઘરે બનાવેલ શિકંજી વધુ સારો વિકલ્પ છે. જો કે ક્યારેક એવું લાગે છે કે શિકંજી બનાવવામાં ઘણી તકલીફ પડે છે. તો તમે એક જ વારમાં શિકંજી મસાલો બનાવીને સ્ટોર કરી શકો છો.

શિકંજી મસાલો તૈયાર કરવા માટેની સામગ્રી
જો તમે ઉનાળા માટે રિફ્રેશિંગ શિકંજી બનાવવા માટે મસાલો તૈયાર કરવા માંગો છો. તો તેના માટે તમારે લગભગ ત્રણ ચમચી કાળું મીઠું, એક ચમચી વરિયાળી, એક ચમચી કાળા મરી, એક ચમચી શેકેલું જીરું, એક ચમચી લીલી એલચીના દાણા, તજના બે નાના ટુકડા અને તેના સિવાય તમારે અડધો કપ ખાંડની જરૂર પડશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ મામલે અમેરિકાનું નિવેદન – અમે દખલ નહીં કરીએ

આ રીતે કરો તૈયાર
સૌપ્રથમ કાળા મરી અને જીરું શેકી લો અને તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. હવે મિક્સરમાં વરિયાળી, ઈલાયચી, કાળું મીઠું અને તજ નાખીને સારી રીતે પીસી લો. હવે તેમાં જીરું અને કાળા મરી નાખીને ઝીણો પાવડર તૈયાર કરો. આ મસાલાને મિક્સરમાંથી કાઢી લીધા બાદ ખાંડને પીસીને પાવડર બનાવી લો અને બધું મિક્સ કરો. ઝીણું ટેક્ષ્ચર પાવડર તૈયાર થાય તેનું ધ્યાન રાખો.

આ રીતે મસાલાને કરો સ્ટોર
શિકંજી મસાલાને સ્ટોર કરતા પહેલા તેને ઝીણી ચાળણીથી ગાળી લો. હવે એક એરટાઈટ ગ્લાસ કન્ટેનર લો અને ચેક કરો કે તેમાં કોઈ ભેજ નથી, નહીં તો મસાલો બગડી જશે. હવે આ બોક્સમાં મસાલાને સ્ટોર કરો. આ મસાલો મહિનાઓ સુધી રેફ્રિજરેટર વગર પણ બગડે નહીં.