‘હું નથી ઇચ્છતો કે એપલ ભારતમાં આઈફોન બનાવે’, ટ્રમ્પની એપલના CEO ટિમ કૂકને સલાહ

Donald Trump Tariff: ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટો ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલ પ્રોડક્ટ્સ બનાવવાની મનાઈ કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલ પ્રોડક્ટ્સ બનાવો, તેઓ પોતે જ તેનું ધ્યાન રાખશે. આ સિવાય ટ્રમ્પે બીજો એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે ઘણા યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની ઓફર કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે કારણ કે ભારત આયાત કર પર સમજૂતી કરવા ઇચ્છે છે.

ગુરુવારે કતારમાં બિઝનેસ લીડર્સ સાથેની એક ઈવેન્ટમાં બોલતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સરકારે અમને એક ડીલ ઓફર કરી છે જેના હેઠળ તેઓ મૂળભૂત રીતે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર છે. તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત આપ્યો. એક દિવસ પહેલા મિશિગનમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી છે. અને ટૂંક સમયમાં ડીલ પૂર્ણ થશે.

ટ્રમ્પે એપલને ભારતમાં ઉત્પાદન ન કરવા જણાવ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે નવી દિલ્હીના ઊંચા ટેરિફ ભારતમાં અમેરિકન વ્યવસાયોને અવરોધે છે. તેણે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા કહ્યું. તેમનું નિવેદન એ વાતનો સંકેત હતું કે એપલે તેનું ઉત્પાદન અમેરિકા ખસેડવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ અભિયાનનો ઉદ્દેશ્ય યુએસ વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. આ ટેરિફને કારણે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને દરિયાઈ ખોરાક અને ધાતુની નિકાસ, સૌથી વધુ પ્રભાવિત થઈ છે.