November 22, 2024

ગઈકાલે શપથ, આજે મંત્રી પદ છોડવાની વાત… Keralaના આ સાંસદને કેમ નથી બનવું મંત્રી?

PM Modi 3.0: લોકસભા ચૂંટણી 2024માં NDAને બહુમતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. કેરળના પ્રથમ બીજેપી સાંસદ સુરેશ ગોપીએ પણ મોદી સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. પરંતુ સોમવારે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક પહેલા જ સુરેશ ગોપીએ મંત્રી પદ છોડવાના સંકેત આપ્યા છે.

લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચાર દરમિયાન સુરેશ ગોપી માટે મુખ્ય ચૂંટણી મુદ્દો ‘ત્રિશુર માટે એક કેન્દ્રીય મંત્રી, મોદીની ગેરંટી’ હતો. કેરળમાંથી ભાજપના બે ઉમેદવારોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. સુરેશ ગોપી ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનને પણ કેન્દ્રીય કેબિનેટમાં રાજ્યમંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

શપથ ગ્રહણ સમારોહ બાદ દિલ્હીમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા સુરેશ ગોપીએ કહ્યું, “હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. મારું સ્ટેન્ડ હતું કે મારે કેબિનેટ નથી જોઈતું. મેં પાર્ટીને કહ્યું હતું કે મારી પાસે “મને કેબિનેટ પદમાં કોઇ રસ નથી. મને લાગે છે કે જલદી જ રાહત મળશે.”

આ પણ વાંચો: ‘મોદી કેબિનેટ 3.0’માં 7 મહિલા મંત્રી, પ્રથમવાર ચૂંટાયેલા ગુજરાતી સાંસદ સામેલ

અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીએ વધુમાં કહ્યું કે, “ત્રિશુરના લોકો મને સારી રીતે ઓળખે છે. હું સાંસદ તરીકે ખૂબ જ સારું પ્રદર્શન કરીશ. હું ફિલ્મોમાં અભિનય ચાલુ રાખવા માંગુ છું. મેં નિર્ણય પાર્ટી પર છોડ્યો છે.” લોકસભા ચૂંટણી જીત્યા બાદ ગોપીએ કહ્યું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહીં છોડે કારણ કે એક્ટિંગ તેનો શોખ છે. તેની પાસે પહેલેથી જ કેટલાક ફિલ્મ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.

સુરેશ ગોપી ત્રિશૂર લોકસભા સીટ પરથી 74,000 થી વધુ મતોથી જીત્યા છે. તેણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા વીએસ સુનીલકુમારને હરાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે મુરલીધરન ત્રિકોણીય હરીફાઈમાં ત્રીજા ક્રમે રહ્યા હતા.