દીકરીને કોઈ લબરમુછીયો ફસાવે તો… તેના પરિવાર સાથે ઉભા રહીને ન્યાય અપાવો: હર્ષ સંઘવી
Surat: રાજ્યમાં છેડતી, દુષ્કર્મ જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે સુરતમાં મહિલા સંમેલનમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોઈ દીકરીને ફસાવવાની કોશિશ કરે તો પરિવારે દીકરીના સહયોગમાં ઉભા રહેવાની જરુર છે. દીકરીને પ્રેમજાળમાં ફસાવીને દીકરીનું જિંદગી નર્ક બનાવવાની કોશિશ કરે તો દીકરીના સહયોગમાં ઉભા રહેવાની જરુર છે. દીકરીને કોઈ લબરમુછીયો કે ટપોરી ફસાવે તો બહેનોએ રાણી લક્ષ્મીબાઈનું સ્વરુપ ધારણ કરવું જોઈએ.
આ અંગે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું છે કે, જ્યારે કોઈ તમારી દીકરીને ફસાવવાની કોશિશ કરે તો દીકરીઓએ રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ ધારણ કરવું જોઈએ અને પરિવાર સાથે ઉભા રહી દીકરીને ન્યાય અપાવવો જોઈએ. સમાજમાં વિચારોમાં માત્ર બદલાવ લાવવાનો છે. ઘટનાઓની ચર્ચા કરીને હિંમત તોડવાને બદલે ન્યાય આપવાનું કામ કરીએ. દીકરીનો હાથ પકડીને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ન્યાય આપવાનું કામ કરીએ. સમાજમાં કોઈ આપણી દીકરીઓને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી જાય છે. એમાં આપણે આપણી દીકરીઓની ટીકા કરીએ આવું કઈ રીતે ચાલે? આપણે સંકલ્પ લેવાની જરૂર છે કે મારા સમાજ, મારા સોસાયટીની દીકરીને જો કોઈ હેરાન કરે દીકરી કે પરિવારની ટીકા એની વાતો બહાર કરવાને બદલે એ પરિવાર જોડે હું મદદમાં રહીશ એટલું કામ બહેનોએ કરવાનું છે.
આ પણ વાંચો: ‘મારી પત્ની સુંદર છે…’ L&T ચેરમેનના નિવેદન પર આનંદ મહિન્દ્રાએ કર્યો કટાક્ષ