બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપાયુ, વિઝિલન્સે જીપીએસના આધારે માપણી શરૂ કરી
પાટણ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ રહી છે તેવામાં આજે ગાંધીનગર વિઝિલન્સે (ખાણ ખનીજ વિભાગ) બાતમીના આધારે સમી તાલુકાના દાદર ગામ નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન વિઝિલન્સની ટીમે નવ જેટલા ડમ્પર સહિત મશીનરી ડિટેઈન કરી નદીના પટમાં સ્થળ પર જ જીપીએસના આધારે માપણીની કામગીરી શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે.પાટણ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રીતે હજારો ટન રેતીની ચોરી કરી બેફામ ડંપરોમાં રેતીની હેરાફેરી કરે છે. તેમ છતાં પાટણ ખાણ ખનીજ વિભાગ આ ભૂમાફિયાઓ કોઈ નક્કર કામગીરી ન કરતાં તેઓ બેફામ બન્યા છે. સમી તાલુકાના દાદર ગામમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમી ગાંધીનગર વિઝિલન્સને મળતા ગત મોડી રાત્રે દાદર ગામે નદીના પટમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરી રેતી ભરેલા 9 ડમ્પરો અને મશીનરી મળી આવી હતી. જે બાદ વિઝિલન્સ ટીમે સમી પોલીસ મથકે તમામ મુદ્દામાલ સુપરત કરી છેલ્લા કેટલા સમયથી નદીમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે અંગેની માહિતી મેળવવા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને વિઝિલન્સ અધિકારીઓએ જીપીએસની મદદથી નદીમાં માપણી કરવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો : Patan : જિલ્લા વિકાસ અધિકારીનો પત્ર વાયરલ, 500 ગ્રામ પંચાયતો વેરા વસુલાતમાં નબળી
ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનનને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે આજે ગાંધીનગર વિઝિલન્સના દરોડા બાદ પાટણ ખાણ ખનીજ વિભાગ પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે.