December 12, 2024

દિલ્હી-NCRમાં કોલ્ડ ડે… 11 રાજ્યોમાં ધુમ્મસ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Delhi: ઉત્તર ભારત અને મેદાની વિસ્તારોમાં શિયાળો હવે પોતાનો પૂરેપૂરો રંગ બતાવી રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં કોલ્ડ ડે એલર્ટ છે. આ રાજ્યોમાં પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે. પહાડોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો નીચો છે. માઉન્ટ આબુમાં કારની છત પર પડતા ઝાકળના ટીપા થીજી ગયા. સીકરના ફતેહપુરમાં પારો માઈનસ 1 ડિગ્રી નોંધાયો હતો.

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના રાયલસીમામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર MP, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, UP, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં કોલ્ડ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ
રાજધાની દિલ્હીમાં સતત બીજા દિવસે પારો ગગડ્યો હતો. અહીં 10 ડિસેમ્બરે તાપમાનનો પારો 4.9 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને રાયલસીમામાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ, વિકાસ અને સિદ્ધિઓની સફર…