‘ઈ-વાહતુક પાસ’ના અમલીકરણથી સરળ બનશે આંતર રાજ્ય વન પેદાશોનું પરિવહન
મલ્હાર વોરા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે ‘વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ’ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ’ સિસ્ટમ અંતર્ગત આંતર રાજ્ય વન પેદાશોના પરિવહન માટેના ‘ઈ-વાહતુક પાસ’ના અમલથી વેપાર તેમજ પરિવહનમાં વધુ ઝડપ-પારદર્શકતાની સાથે ખેડૂતો-વેપારીઓની આવક વધશે.
રાજ્યના વન મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને તેમજ વન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરથી કેન્દ્રની ‘રાષ્ટ્રીય પરિવહન પાસ’ પ્રણાલી માટેના ડેસ્કટોપ આધારીત વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશનનો ગુજરાતમાં આજથી અમલ કરવામાં આવ્યો હતો. ‘રાષ્ટ્રીય પરિવહન પાસ’ પ્રણાલી અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,જયારે એક રાજ્યથી બીજા રાજ્યમાં વન પેદાશો લઇ જવામાં આવે છે ત્યારે બોર્ડર-ચેકપોસ્ટ ઉપર જે તે રાજ્યના નિયમો મુજબ રકમ વસૂલ કરી નવેસરથી ટ્રાન્ઝિટ પાસ ઇસ્યુ કરવાની પ્રથા અમલમાં હતી.
દરેક રાજ્યના નિયમો/ટ્રાંસિટ પાસની રકમ તેમજ સત્તાવાર ભાષા અલગ હોવાથી વન પેદાશોના વાહતુકમાં બાધા અનુભવાતી હતી. આ વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘One Nation, One Transit Pass’ના હેતુથી ‘રાષ્ટીય પરિવહન પાસ પ્રણાલી’ના અભિગમને શરૂ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ ખાનગી જમીનો, સરકારી, ખાનગી ડેપો અને અન્ય વન પેદાશોનું અંતરરાજ્ય અને આંતર રાજ્ય પરિવહન માટે ટ્રાન્ઝિટ પાસે દેખરેખ અને રેકોર્ડ રાખવામાં મદદ કરે છે.
નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ અંગે કહ્યું હતું કે, આ ડેસ્કટોપ આધારિત વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે. વેબ-પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા અધિકૃત વન પેદાશો માટે ટ્રાન્ઝિટ પાસ અથવા મુક્તિ આપેલ જાતો માટેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટેની અરજીઓની ઓનલાઈન નોંધણી અને સબમિશન કરી શકાય છે. ખેડૂત મિત્રો દ્વારા ખાનગી જમીન પર ઉગાડવામાં આવતી પ્રજાતિઓ માટે સરળતા થી ઓનલાઈન અરજી કરી શકાય છે. વિવિધ જાતિઓની શ્રેણીના આધારે ટ્રાન્ઝિટ પાસે અથવા એનઓસી ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે.
આ ઉપરાંત ટ્રાન્ઝિટ પાસ દીઠ રકમ રૂ. ૨૦ જે અગાઉ રોકડમાં લેવામાં આવતી હતી જે બંધ કરી હવે પોર્ટલ અથવા મોબાઈલ એપમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિથી લેવામાં આવશે. સિસ્ટમના મુખ્ય ફાયદા સમજાવતા કહ્યું હતું કે, લાકડું અને અન્ય ગૌણ વન પેદાશો માટે ભૌતિક રીતે વન કચેરીઓમાં ગયા વિના ઘરે બેઠા ઝડપથી પાસ ઇસ્યુ થશે. મેન્યુઅલ પેપર આધારિત ટ્રાન્ઝિટ પાસને બદલે QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવામાં આવે છે. વેપાર કરવામાં સરળતા ખાતર વન પેદાશોના પરિવહન માટે હવે સમગ્ર ભારત માટે એક જ પાસની જરૂરીયાત રહેશે. મોબાઈલ એપની મદદથી રાજ્યની સરહદોથી મૂળ સ્થાનથી ગંતવ્ય સુધી કોઈપણ પ્રકારની અડચણ વગર પરિવહન શક્ય બનશે. લાકડા આયાતકારો, ઉત્પાદકો, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોને પાસ મેળવવામાં અને ફોરેસ્ટ ચેકપોસ્ટ પર થતી વિલંબ ને નિવારણ થશે.