June 30, 2024

IPL 2024: પ્લેઓફમાં પહોંચવા RCB-CSK વચ્ચે આજે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

IPL 2024, RCB vs CSK: સતત પાંચ જીત નોંધાવનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) શનિવારે IPL પ્લેઓફમાં ચોથી ટીમના નિર્ધારણ માટે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો કરશે. જોકે આ મેચ હવામાનથી પ્રભાવિત થવાની પણ શક્યતા છે. બંને ટીમો માટે નોકઆઉટમાં પહોંચવાની આ છેલ્લી તક હશે અને બંને ટીમો આજની મેચ જીતવા માટે તમામ પ્રયાસો કરશે.

એક સ્થાન માટે RCB-CSK વચ્ચે સ્પર્ધા
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. જેના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ પછી સનરાઇઝર્સ પ્લેઓફમાં પહોંચી ગઈ હતી. હવે માત્ર એક જગ્યા માટે જંગ છે અને બે ટીમો CSK અને RCB રેસમાં છે. સારા રનરેટ અને વધુ પોઈન્ટ (13 પોઈન્ટ અને 0.528 રનરેટ)ના કારણે ચેન્નાઈનો દાવો મજબૂત છે. તેઓ આ મેદાન પરની આઠ મેચોમાં માત્ર એક જ વાર આરસીબી સામે હારી છે. જ્યારે RCBના 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.387 છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સની હાર સાથે જ હાર્દિક પંડ્યાને મળ્યો મોટો ઝટકો

આરસીબીએ કરી છે જોરદાર વાપસી
આરસીબી અત્યારે શાનદાર ફોર્મમાં છે. છ મેચની હારનો સિલસિલો તોડ્યા બાદ તેણે સતત પાંચ મેચ જીતી છે. ઓરેન્જ કેપનો દાવેદાર વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે છેલ્લી પાંચમાંથી ત્રણ મેચમાં અડધી સદી ફટકારી છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પાસેથી સારી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવશે, જે છેલ્લી બે મેચમાં ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો. રજત પાટીદાર અને કેમરૂન ગ્રીન મિડલ ઓર્ડરમાં સારું રમી રહ્યો છે. મહિપાલ લોમરોર અને દિનેશ કાર્તિક પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચનો લાભ લેવા ઈચ્છશે જે બેટ્સમેનન માટે સારૂ માનવામાં આવે છે.

જેક્સની જગ્યાએ મેક્સવેલ વાપસી કરી શકે છે
આરસીબી આ મેચમાં ઈંગ્લેન્ડના વિલ જેક્સની સેવાઓ મેળવી શકશે નહીં, જે રાષ્ટ્રીય જવાબદારીઓ માટે સ્વદેશ પરત ફર્યા છે. સીએસકે સામેની આ મોટી મેચ માટે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આરસીબી ટીમમાં વાપસી કરી શકે છે. જે આ સિઝનમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. બીજી તરફ ચેન્નાઈને પણ ઓલરાઉન્ડર મોઈન અલીની ખોટ પડશે જે આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. મોઈનની જગ્યાએ રિચર્ડ ગ્લીસનને તક મળી શકે છે.

આરસીબી સામે હશે રૂતુરાજનો પડકાર
કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ સિઝનમાં ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવ્યા છે અને તે આ લય જાળવી રાખશે તેવી અપેક્ષા છે. ઓપનર રચિન રવિન્દ્રએ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી છે. છેલ્લી ચાર ઇનિંગ્સમાં નિષ્ફળ ગયેલા શિવમ દુબે પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે. બોલિંગમાં ફાસ્ટ બોલર સિમરજીત સિંહ અને તુષાર દેશપાંડેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમમાં મુસ્તફિઝુર રહેમાન, મથિશા પથિરાના અને દીપક ચાહરની ખોટ છે. મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી ચેન્નાઈ માટે પ્રેરણાસ્ત્રોત છે પરંતુ ઈજા વચ્ચે તે કેટલું યોગદાન આપી શકે છે તે જોવાનું રહેશે.

આ મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11 નીચે મુજબ હઇ શકે છે…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કરણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ.

ચેન્નઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, રિચર્ડ ગ્લેસન, સિમરજીત સિંહ, મહેશ તિક્ષિના.