July 2, 2024

રથયાત્રાના રૂટમાં ભયજનક મકાનોને લઇને MLA Imran Khedawalaને નોટિસ

અમદાવાદ: રાજ્યમાં ગરમી બાદ હવે ચોમાસાનું આગમન થઇ ગયું છે આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 285 ભયજનક મકાનોમાંથી 109 મકાન માલીકોને નોટિસ આપવામાં આવી છે. આ સિવાય રથયાત્રા રુટમાં આવતા ભયજનક મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જમાલપુરના કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાની ઓફિસને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર શહેરમાં ચોમાસાં દરમિયાન ખાસ કરીન કોટ વિસ્તારમાં આવેલાં વર્ષો જૂના મકાનો ભયજનક બનતાં હોય છે તેમજ રથયાત્રા રૂટ ઉપર પણ આવા ભયજનક મકાનોનાં કારણે જાનહાનિ સર્જાવાનો ભય હોવાને કારણે AMC દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ખાસ કરીને કોટ વિસ્તારમાંથી દર વર્ષે નીકળતી પરંપરાગત રથયાત્રાનાં રૂટ પર પણ ભયજનક કહી શકાય તેવા મકાનો આવેલાં છે, જેની ઉપર રથયાત્રા નિહાળવા લોકો ભેગા થાય તો મકાન-ગેલેરી વગેરે પડી જવાનો ભય હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી આ ચાર સાંસદ મંત્રીપદના શપથ લેશે, શાહ-માંડવિયા રિપિટ

આ વચ્ચે MLA ઈમરાન ખેડાવાલાની ઓફિસનું મકાન જર્જરીત હોવાથી AMCએ નોટિસ આપી છે. તેમજ આ મકાનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ અથવા ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી છે. ઓફિસની બહાર ભયજનક મકાન અંગેની નોટિંસ લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જમાલપુર ખાંડની શેરીમાં MLA ઈમરાન ખેડાવાલાની ઓફિસ આવેલી છે. મકાનને રિપેરિંગ કરવા અથવા લોકોની ભીડને મકાનમાં પ્રવેશ ન આપવા મકાન માલિકને જાણ કરાઈ છે.