September 20, 2024

અમદાવાદમાં વકીલે ટ્રાફિક પોલીસને જ કરાવી દીધું કાયદાનું ભાન

જયેશ ચૌહાણ, અમદાવાદ: કાયદાની અજ્ઞાનતા એ બચાવ નથી, તેવો કાયદાનો સિદ્ધાંત છે પરંતુ ખરેખરમાં દેશમાં અમલમાં રહેલા તમામ કાયદાઓના પ્રબંધોનું દરેકને જ્ઞાન નથી હોતુ તેથી અમુક ઘટનાઓમાં નાગરિક પોતાના હકો પણ ગુમાવે છે ત્યારે કાયદાનું જ્ઞાન હોય તો તે શક્તિશાળી વ્યક્તિને પણ તેની ભુલનો અહેસાસ કરાવી દેતો હોય છે ત્યારે આવો જ એક દાખલો અમદાવાદમાં રહેતા વકીલ સાથે પણ જોવા મળ્યો છે. કાયદાને લઇ વકીલ હિતેન્દ્ર શાહે કાયદો વ્યવસ્થાની જેની જવાબદારી છે એવા પોલીસ વિભાગને જ કાયદાનું ભાન કરાવ્યુ છે.

અમદાવાદ વિસ્તારમાં વર્ષોથી ટ્રાફિક એક જટિલ પ્રશ્ન છે અને તે પ્રશ્નને ઉકેલવા તંત્ર દ્વારા સમયાંતરે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે છતા હજૂ આ સમસ્યા દિવસે ને દિવસે વકરી રહીં છે એવામાં હવે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ પણ આકરુ વલણ અપનાવી રહીં છે. જેને પગલે હાઇકોર્ટની ફટકારથી બચવા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ થોડી કાર્યવાહી અને કામગીરી કરતા જોવા મળી રહીં છે પરંતુ આ કાર્યવાહીમાં નિર્દોષ લોકો પણ દંડાઇ રહ્યાં છે પરંતુ તેમને કાયદાનું યોગ્ય જ્ઞાન ન હોવાથી અથવા થોડાઘણો ભ્રષ્ટ્રાચાર આચરી બચવાનો રસ્તો શોધતા હોય છે પરંતુ 14 ઓગસ્ટના આશ્રમ રોડ પર એક વકીલે પોલીસને કાયદો એકદમ સારી રીતે સમજાવ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વકીલ હિતેન્દ્ર શાહ 14 ઓગસ્ટના બપોરના સમયે પાલડી ક્રોસ રોડ પાસે દવા બજાર નજીક રોડ પહોડો હોવાથી અને નો પાર્કિંગનો બોર્ડ ન હોવાથી પોતાની કાર પાર્ક કરીને ગયા હતા ત્યારબાદ ટ્રાફિક પોલીસના કર્મચારી દ્વારા વકીલ હિતેન્દ્ર શાહની કારને લોક મારી દેવામાં આવ્યું હતું.

વકીલ હિતેન્દ્ર શાહ દવા બજારથી પરત ફરતા જોવા મળ્યુ કે તેમની સ્કોડા કાર પર લોક મારી દેવામાં આવ્યુ હતુ. જે બાદ ટોઇંગ સ્ટાફના વ્યક્તિને 4 ફોન કર્યા બાદ તેઓ ત્યા પહોંચ્યા હતા જ્યાં કાયદો સમજાવી હિતેન્દ્ર શાહે ટોઇંગ સ્ટાફના વ્યક્તિને પુછ્યુ કે અહીં કોઇ નો પાર્કિંગનું બોર્ડ નથી.. આગળ રિક્ષા સ્ટેન્ડ છે… ટ્રાવેલ્સ બસો પડેલી છે તો મારી કારને કેમ લોક મારવામાં આવ્યુ ત્યારબાદ 1500 રૂપિયાના ઇ ચલણની સામે પોતાના ખિસ્સામાં નાખવા રૂ.500 માગ્યા હતા. જે આપવાની ના પાડતા એક મહેન્દ્રભાઇ નામના વ્યક્તિએ રૂ.1500નો ઇ ચલણ હિતેન્દ્ર શાહને આપ્યુ હતુ.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની આ ભ્રષ્ટવૃત્તિ સામે હિતેન્દ્ર શાહ દ્વારા લડત લડવાનું નક્કી કરાયુ અને હિતેન્દ્ર શાહ ટ્રાફિક કમિશનર કચેરી, મીઠાખડ્ડી ખાતે પહોંચ્યા હતા. જ્યા પણ 3 અધિકારીઓની આનાકાની બાદ આખરે તેમની ફરિયાદ લેવામાં આવી. ફરિયાદ સરખેજ સ્થિત M ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ઇન્વર્ડ થવાની હોવાથી હિતેન્દ્ર શાહે જાતે જઇ ફરિયાદ ઇન્વર્ડ કરાવી હતી. જેના બાદમાં જવાબદાર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ફરિયાદી સાથે પોલીસ કર્મચારીએ ટેલિફોનિક વાત પણ કરી હતી.

“આ લડત માત્ર ઇ ચલણની નહીં પરંતુ કોઇ નાગરિક સાથે ન બને તેની લડત છે”
સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જેથી ફરિયાદી વકીલ હિતેન્દ્ર શાહ દ્વારા ઓનલાઇન વેબસાઇટ પર ઇ ચલણ જોવા માટે પ્રયાસ કરાયો હતો પરંતુ વેબસાઇડ પર લોગઇન કરી ચલણ નંબર લખતા જ ચોંકાવનારી વાત સામે આવી હતી. ચલણ નંબર જોતા જ ફરિયાદી હિતેન્દ્ર શાહને જોવા મળ્યુ કે જે ઇ ચલણ નંબર GJ206212240814133619 જનરેટ થયુ હતુ તે જ રદ્દ કરી દેવામાં આવ્યુ હતુ. પરંતુ આ માત્ર મારી એકલાની કે ઇ ચલણની લડત નથી પરંતુ કોઇ પણ નાગરિક સાથે આ પ્રકારની ઘટના ન બને એ માટેની લડત છે.

આ પણ વાંચો: ફોનમાં હંમેશા રાખો આ 6 સરકારી એપ્લિકેશન, બચી જશે તમારા પૈસા

અમદાવાદ ટ્રાફિક પોલીસ નિયમો સામે સવાલ!
વકીલ હિતેન્દ્ર શાહે આ સમગ્ર ઘટના બાદ વાત કરતા જણાવ્યુ હતુ કે, શહેરમાં નો પાર્કિંગના બોર્ડ લગાવેલા નથી, પાર્કિંગ માટેના પટ્ટા રોડ પર જોવા મળતા નથી ત્યારે કઇ રીતે તમે લોકો પાસે ટ્રાફિક નિયમનની આશા રાખી શકો અને હાઇકોર્ટ જે પ્રકારે સખ્ત વલણ અપનાવી રહ્યું છે ત્યારે ટ્રાફિક પોલીસ અને ટોઇંગ વાનનો સ્ટાફ હાઇકોર્ટના આદેશનો સહારો લઇ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યું છે જે બિલકુલ પણ યોગ્ય નથી.

અમદાવાદમાં વકીલ હિતેન્દ્ર શાહ જેવા કિસ્સા તો રોજ હજારો લોકો સાથે થતા હશે પરંતુ લોકો કાયદાની જાણકારી ન હોવાથી અથવા સસ્તામાં છુટવાથી આડો રસ્તો અપનાવતા હશે પરંતુ નાગરિકોએ પણ પોતાના હક અધિકારો માટે જાગૃત થવાનો સમય છે જેથી કરીને કોઇ પણ સરકારી અધિકારી કે કર્મચારી કાયદાની આડમાં તેમની સાથે છેતરપિંડી ન કરી શકે.