June 30, 2024

ઘોડીયામાં જ બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેનાર વાલીઓ માટે ચોંકાવનારી ઘટના

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સતત મોબાઇલના ઉપયોગથી અઢી વર્ષની દીકરી વર્ચ્યુઅલ ઓટીઝમ બિમારીનો ભોગ બની છે. પાલનપુર સમાજ સુરક્ષા કચેરીમાં આવેલી માતાએ કહ્યુ કે, સસરાના મરણ પ્રસંગે ઘરમાં દીકરીને રાખવાવાળું કોઇ ન હોઇ મોબાઇલ રમવા માટે આપી દીધો હતો. જે આદત બની ગઇ અને આજે આ પરિસ્થિતિનો શિકાર બની છે. જોકે માતા પોતાની દીકરીની ઓળખ છુપાવવા માંગે છે પરંતુ સમાજમાં અન્ય માતા-પિતાઓ સચેત બને તે માટેનો આ કિસ્સો છે.

પાલનપુર સમાજ સુરક્ષા કચેરીમાં એક મહિલા નાની દીકરીને લઇને આવી જે થોડા સમય સુધી ગુમસુમ બેસી રહેતી હતી. જે ઘડીકવારમાં આવેશમાં આવી જતી હતી. બિમારી વિશે પુછ્યું તો માતાનો જવાબ સાંભળી સૌને આંચકો લાગ્યો હતો. સતત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી તેણી વર્ચ્યુઅલ ઓટીઝમ બિમારીનો ભોગ બની ગઇ હતી. જેનું ડોકટરનું સર્ટીફિકેટ પણ હતુ. આ દીકરીને સરકાર તરફથી રૂપિયા 1000ની સહાય મંજુર કરવામાં આવી છે. મોબાઇલના અતિરેકમાં દરેક માતા-પિતા માટે જરૂર બોધપાઠ લેવા જેવો છે.

આ પણ વાંચો: SSG હોસ્પિટલની કેન્ટીનમાં શાકભાજીમાં વંદા ફરતા નજરે પડ્યા

બનાસકાંઠાના ડીસામાં હેતલબેન (નામ બદલ્યું છે)ના ઘરે સસરાનું નિધન થયું હતુ. માતમના માહોલમાં એક વર્ષની દીકરીને રાખવાવાળું ન હોવાથી હેતલબેને પોતાનો મોબાઇલ ફોન રમવા માટે આપ્યો હતો. આ પળ દીકરી માટે આફતરૂપ બની હતી. ધીમે-ધીમે મોબાઇલ ફોન તેણીની આદત બની ગયો હતો. અઢી વર્ષની ઉંમરે દીકરી વર્ચ્યુઅલ ઓટીઝમ બિમારીનો ભોગ બની ગઇ છે. બાળક માનવ સર્જિત સમસ્યાઓને કારણે દિવ્યાંગ બન્યું છે. તો ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે દરેકે જેમ બને તેમ બાળકોને મોબાઈલથી દૂર જ રાખવા જોઈએ. અને જો કોઈ પણ પ્રકારે વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરને બતાવી જરૂર જણાય તો સરકારની યોજનાઓનો લાભ લેવો જોઈએ.

કિશોરને લાગી મોબાઇલ ગેમની માનસિક અસર
એક કિશોર જાહેરમાં હાથના ઇશારાથી વારંવાર રિવોલ્વરથી ગોળીબાર કરતો હોય તેવો કિસ્સો મારી પાસે આવ્યો હતો. જે મોબાઇલની ગેમની માનસિક અસર હતી. નાના બાળકોમાં જોવા મળતી વર્ચ્યુઅલ ઓટીઝમ બિમારીમાં ગુમસુમ બની જવું, ચિડીયો સ્વભાવ, એક જ વર્તન વારંવાર કરવું, ગુસ્સે થઇ ચિજવસ્તુઓ ફેંકી દેવી જેવા અનેક લક્ષણો જોવા મળતા હોય છે. તાત્કાલિક સારવાર કરવાથી તેમાં સુધારો થાય છે મોબાઇલના પાત્રો જેવી હરકતો કરતો થઇ ગયો હતો.

દાંતા પંથકના દંપતિએ કહ્યુ કે, પુત્ર નાનો હતો ત્યારે ઘોડીયામાં શાંત રાખવા માટે મોબાઇલ પકડાવી દેતા હતા. જે તેની આદત બની ગઇ છે. પાંચ વર્ષની ઉંમરે તે મોબાઇલમાં આવતાં પાત્રો જેવી હરકતો કરતો થઇ ગયો હતો. તબીબી સારવાર કરાવતાં હાલમાં સ્વસ્થ છે. ચિત્રવાર્તાના પુસ્તકો, કાર્ટુન ચિત્રોની ચોપડીઓ દેખાડી ધીમે ધીમે મોબાઇલની લતમાંથી બહાર કાઢવાના પ્રયત્નો થઇ રહ્યા છે.