ટ્રમ્પના 104% ટેરિફના જવાબમાં ચીને US પર ઠોક્યો 84% વધારાનો ટેક્સ, 10 એપ્રિલથી લાગુ

US-China Tariff War: ચીન અને અમેરિકા વચ્ચેની ટેરિફ વોર હવે જબરજસ્ત રીતે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે અમેરિકાએ ચીન પર 104 ટકાનો જંગી ટેરિફ લગાવ્યો હતો. આ પછી આજે ચીને અમેરિકન ઉત્પાદનો પર 84 ટકા ટેરિફ લગાવી દીધો છે. આ ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે. આ કારણે ટ્રમ્પ અને ચીન વચ્ચે તણાવ ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગયો છે. આ ટેરિફ વોરની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી શકે છે.

ટેરિફ કોણે અને કેટલો વધાર્યો?
ગયા મહિના સુધી અમેરિકા ચીન પર 10 ટકા ટેરિફ લાદતું હતું. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે 60 દેશો પર પારસ્પરિક ટેરિફ લાદ્યા હતા. જેમાં ચીન પર 34 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. આના પરિણામે ચીન પર કુલ 44 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. ટ્રમ્પની જાહેરાતના થોડા સમય બાદ, વ્હાઇટ હાઉસે કહ્યું કે તે સમગ્ર વિશ્વ પર વધારાના 10 ટકા નોન-રિપ્રોકલ ટેરિફ લાદશે. આનાથી ચીન પરનો ટેરિફ વધીને 54 ટકા થયો. આ પછી, ચીને અમેરિકન ઉત્પાદનો પર 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરીને બદલો લીધો. આ જાહેરાતના 48 કલાકથી ઓછા સમયમાં, ટ્રમ્પે ચીની ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ વધારીને બદલો લીધો, કુલ 104 ટકા થઇ ગયો. હવે આજે ચીને ફરી એકવાર અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધારીને 84 ટકા કર્યો છે.