September 8, 2024

સુરતમાં ફરી ગ્રીષ્માવાળી થતા રહી ગઈ, પાગલ પૂર્વ પ્રેમી પોલીસના પાંજરે પુરાયો

અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા. આ ઘટનામાં પાગલ પ્રેમી ફેનીલ દ્વારા પ્રેમિકા ગ્રીષ્માની તેના ઘરે જઈને કૃરતાપૂર્વક ગળા પર ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં આ પ્રકારની બીજી ઘટના બનતા રહી ગઈ આ બીજી ઘટનામાં પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી જો કે આ સમગ્ર મામલે એક યુવકની બહાદુરીના કારણે યુવતીનો બચાવ થયો છે તો બીજી તરફ આરોપી સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં વસતાદેવડી રોડ પર શાંતિનિકેતન સોસાયટીમાં ગોઝારી ઘટના બનતા રહી ગઈ. પૂર્વપ્રેમી દ્વારા જ પોતાની પ્રેમિકાના ગળા પર બ્લડ મૂકી દઈ પોતાની સાથે આવવા માટે જીદ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક અજાણ્યા યુવકે હિંમત બતાવીને યુવતીના પાગલ પ્રેમી સાથે બાથ ભીળી યુવતીને બચાવી હતી. આ ઘટનામાં યુવતીનો બચાવ થઈ ગયો હતો પરંતુ પાગલ પ્રેમીએ યુવતીને બચાવનાર યુવકના હાથના ભાગે બ્લેડ મારી દીધી હતી.

આ સમગ્ર મામલે યુવતી દ્વારા પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી અને પોલીસે યુવતીની વાત સાંભળી ત્યારે પોલીસ પણ ચૌકી ગઈ કારણકે, યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પૂર્વ પ્રેમી છેલ્લા ચાર મહિનાથી ચપ્પુની અણી પર તેનું યૌનશોષણ કરતો હતો. આ પાગલ પ્રેમી પોતાની પ્રેમિકાને ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ કરતો હતો. ત્યારબાદ યુવતી ભાગવામાં સફળ થઈ હતી પરંતુ ફરીથી આ પાગલ પ્રેમીએ યુવતીની રેકી કરી તેને ગળા પર બ્લેડ મૂકી પોતાની સાથે આવવા માટે જણાવ્યું પરંતુ એક યુવકની બહાદુરીના કારણે યુવતી નો જીવ બચી ગયો.

યુવતીના ગળા પર ચપ્પુ મૂકી પોતાની સાથે લઈ જવાની જીદ કરનાર ઇસમનું નામ દિપુન રાજુ જૈના છે. આ દિપુન મૂળ ઓરિસ્સાનો રહેવાથી છે અને તે આ યુવતી સાથે અભ્યાસ કરતો હતો. દીપુને છેલ્લા ચાર મહિના દરમિયાન અવારનવાર આ જ પ્રકારે ચપ્પુની અણીથી યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચારતો હતો. આ સમગ્ર મામલે પોલીસે દિપુન સામે ગુનો દાખલ કર્યો છે. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, દિપુન ચાર મહિના પહેલા સુરત આવ્યો હતો અને યુવતીને ફોન કરી વરાછા વિસ્તારમાં મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ એક જગ્યા પર લઈ જઈ મકાનમાં સાત દિવસ ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

યુવતી જેમતેમ કરીને પોતાના પાગલ પ્રેમીથી બચી ભાગી ગઈ હતી અને સુરતના અમરોલી વિસ્તારમાં એક મકાનમાં રહેવા લાગી હતી. યુવતીનો પીછો કરી રહેલો આ દિપુન અમરોલીના મકાન સુધી પહોંચી ગયો અને ત્યારબાદ જાહેરમાં જ તેને એક મહિના પહેલા દવા પી લીધી હતી અને યુવતી દ્વારા આ ઈસમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી આ દિપુને બ્લેડ યુવતીના ગળા પર મૂકી તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક યુવકના કારણે તેનો આ પ્રયાસ નિષ્ફળ ગયો અને સમગ્ર મામલે મહીધરપુરા પોલીસ દ્વારા આ પાગલ પ્રેમી દીપુનની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ આયુવતીને બચાવનાર યુવકનું પોલીસ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.