June 28, 2024

પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર કર્મચારીઓ વિરૂદ્ધ તપાસના આદેશ

અમિત રૂપાપરા, સુરત: દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વાયરલ વીડિયોમાં એક પોલીસ કર્મચારી ફરિયાદી મહિલા જોડે અસભ્ય વર્તન કરી ઊંચા અવાજે મહિલાને તતળાવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. એક મહિલાનું પોલીસ સ્ટેશનમાં સન્માન ન જળવાતા અડાજણ પોલીસ વિવાદમાં આવી છે. વાયરલ વીડિયો બાદ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સુરત ડીસીપીએ આ મામલે જણાવ્યું છે કે, વીડિયો અંગે અડાજણ પીઆઇને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસના અંતે પોલીસ કર્મચારીની બેદરકારી હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

સુરતના અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અડાજણ સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાનું સન્માન જાળવવામાં આવ્યું નહોતું. પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ તેમ જણાવતા કહ્યું કે, મારી પરમિશન વગર વીડિયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાએ પોલીસના ગેરવર્તનનો વીડિયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ચૂંટણી પરિણામો બાદ CM યોગીને દિલ્હીનું તેડું, અધ્યક્ષ અને ડે. સીએમ રહેશે હાજર

સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરતી જોવા મળી છે. શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી. તે પ્રકારની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. પોલીસ કર્મચારી જ મહિલાને કહી રહ્યો છે કે વીડિયો ઉતારે તો આઇટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ. જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી. વાયરલ વીડિયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે? તે એક સવાલ છે.

અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ પોલીસ ચોકીનો વીડિયો વાયરલ થતાં અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. અગાઉ અડાજણ વિસ્તારમાં જ દેશી દારૂના અડ્ડાના જનતા રેડના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને લઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. ત્યાં વધુ એક વાયરલ વીડિયોએ પોલીસની કામગીરી સામે ફરી અનેક સવાલો ઉભા કર્યા છે. મહિલા જોડે પોલીસ કર્મચારી દ્વારા અસભ્ય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

ડીસીપી રાકેશ બારોટ દ્વારા આ તપાસ અડાજણ પોલીસ મથકના પીઆઇ આર.બી. ગોજીયાને સોંપવામાં આવી છે.ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું છે કે, મહિલા અરજીના કામ માટે પોલીસ ચોકીમાં ગયા હતા. જ્યાં પોલીસ કર્મચારી સાથે તેમની બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું.તપાસના અંતે જો પોલીસ કર્મચારી જવાબદાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.