February 14, 2025

ભારત-ઈંગ્લેન્ડની મેચ ફ્લડલાઇટ બંધ થવાને કારણે અચાનક અટકાવવી પડી

IND vs ENG ODI: કટકમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ અચાનક બંધ કરવી પડી, જેના કારણે ઓડિશા ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ બોર્ડ શરમજનક સ્થિતીમાં મૂકાયું હતું. ODI શ્રેણીની આ બીજી મેચ દરમિયાન જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી ત્યારે અચાનક સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ ટાવર સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દીધું. આ કારણે રમત અધવચ્ચે જ રોકવી પડી અને બધા ખેલાડીઓને પેવેલિયન પાછા ફરવું પડ્યું.

રવિવાર, 9 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ODI શ્રેણી સાથે ઘણા મહિનાઓ પછી કટકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેટ રમાઈ રહી હતી. આ મેચમાં પહેલી ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડ બેટિંગ કરી રહ્યું હતું ત્યારે બરાબર હતી, પરંતુ ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન અચાનક આ સ્ટેડિયમના એક ભાગમાં અંધારું છવાઈ ગયું અને મેચ રોકવી પડી.

ભારતીય ઇનિંગ્સ દરમિયાન લાઇટ બંધ હતી
બારાબાતી સ્ટેડિયમમાં કુલ 6 ફ્લડલાઇટ ટાવર છે પરંતુ ભારત બેટિંગ કરી રહ્યું હતું ત્યારે તેમાંથી એક અચાનક સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દીધું. આ બધું ભારતીય ઇનિંગ્સની 7મી ઓવરની શરૂઆતમાં બન્યું. આ ઓવર શરૂ થાય તે પહેલાં એકવાર લાઇટ બંધ થઈ ગઈ હતી, પરંતુ તરત જ પાછી આવી ગઈ. ત્યાર બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે એક બોલ ફેંક્યો પણ બીજા બોલ ફેંકે એ પહેલા આ ટાવરની લાઈટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આ કારણે મેચ તાત્કાલિક બંધ કરવી પડી અને ખેલાડીઓ લાઇટ ચાલુ થવાની રાહ જોતા રહ્યા.

અડધો કલાક મેચ રોકી દેવામાં આવી
જ્યારે આ લાઇટ 5-7 મિનિટ સુધી શરૂ ન થઈ ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા નાખુશ થઈ ગયો અને અમ્પાયરો સાથે વાત કરવા લાગ્યો. તે કદાચ તેમને કહેવા માંગતો હતો કે અન્ય 5 ટાવર્સનો પ્રકાશ તેના માટે પૂરતો હતો અને તેને બેટિંગ કરવામાં કોઈ સમસ્યા નહોતી. પરંતુ અમ્પાયરો આ માટે તૈયાર ન હતા અને તેમણે બધા ખેલાડીઓને પેવેલિયન પાછા ફરવાનો સંકેત આપ્યો. અંતે લગભગ 35 મિનિટના વિક્ષેપ પછી મેચ ફરી શરૂ થઈ શકી, પરંતુ આ એક ઘટનાએ ઓડિશા ક્રિકેટ અને ખાસ કરીને વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIને શરમજનક સ્થિતીમાં મૂક્યું હતું.