February 21, 2025

UNSCમાં કાયમી સભ્યપદના મુદ્દે ભારતે નામ લીધા વિના ચીન પર કર્યા પ્રહારો

India Roar in UNSC: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)માં કાયમી સભ્યપદના મુદ્દા પર ભારતે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. ભારતે ચીનનું નામ લીધા વગર તેની આકરી ટીકા કરી છે. તેનું કારણ સ્પષ્ટ છે કે ચીન ભારતના કાયમી સભ્યપદના માર્ગમાં હંમેશા અવરોધ ઉભો કરતું આવ્યું છે. આવી સ્થિતિમાં, ચીનની અધ્યક્ષતામાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં ભારતે કહ્યું કે, યુએનએસસીના કાયમી સભ્યોની સંખ્યામાં વધારો કરવાનો વિરોધ કરતા દેશો યથાસ્થિતિ વ્યવસ્થાના સમર્થક છે, જેમની વિચારસરણી સંકુચિત છે અને અભિગમ બિન-પ્રગતિશીલ છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વલણ “હવે સ્વીકારી શકાય નહીં.” તેમણે કહ્યું, “‘ગ્લોબલ સાઉથ’ સાથે અન્યાયી વર્તન ચાલુ રહી શકે નહીં,” ભારત અને વિશ્વના અન્ય ભાગોના મુખ્ય દેશો સંયુક્ત રાષ્ટ્રના સંગઠનોમાં પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે હકદાર છે. જ્યાં સુધી સુરક્ષા પરિષદનો વાત છે, તેનો અર્થ કાયમી કેટેગરીની સદસ્યતા છે. ‘ગ્લોબલ સાઉથ’ શબ્દ સામાન્ય રીતે ઓછા આર્થિક રીતે વિકસિત દેશો માટે વપરાય છે.

કાયમી સભ્યપદનો વિરોધ કરનારાઓની સંકુચિત માનસિકતા
૧૫ સભ્યોની સુરક્ષા પરિષદમાં “બહુપક્ષીયવાદનો અભ્યાસ અને રિફોર્મ ઓફ ગ્લોબલ ગવર્નન્સ” વિષય પર ખુલ્લી ચર્ચા દરમિયાન બોલતા, હરીશે કહ્યું કે, UNSC સુધારાઓ માટે ત્રણ મૂળભૂત સિદ્ધાંતોનું પાલન જરૂરી છે, જેમાં સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીઓમાં સભ્યોની સંખ્યામાં વધારો, ‘ટેક્સ્ટ’ આધારિત વાટાઘાટોની રજૂઆત અને મહત્વાકાંક્ષી સમયરેખામાં નક્કર પરિણામો પ્રાપ્ત કરવા સામેલ છે. તેમણે કહ્યું, “જે લોકો કાયમી કેટેગરીના વિસ્તરણનો વિરોધ કરી રહ્યા છે તેઓ સંકુચિત માનસિકતાવાળા છે. તેમનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે બિન-પ્રગતિશીલ છે. આ હવે સ્વીકારી શકાય નહીં.