July 2, 2024

દિલ્હી-NCR સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો આજે કેવું રહેશે હવામાન ?

દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનો કહેર યથાવત છે. કાતિલ ઠંડીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે (IMD) આજે ​​દેશના 3 રાજ્યો સહિત ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. કરા પણ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી લોકોને પરેશાન કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ વિસ્તારો, પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વધુમાં કરા અને છૂટાછવાયા વાવાઝોડાની પણ શક્યતા છે.

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ 

હવામાન વિભાગે (IMD) એલર્ટ જાહેર કર્યું છે કે, ગાઢ ધુમ્મસ સાથે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત દિલ્હી-એનસીઆરમાં ઠંડીનું મોજું લોકોને પરેશાન કરી શકે છે. આગામી 5 દિવસ સુધી ઉત્તર ભારતમાં કોલ્ડવેવ અને ધુમ્મસની અસર ઘટવાની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરી છે. આ ઉપરાંત લોકોને ઘરમાં રહેવા અને ઠંડીથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં સ્મોગના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આવી સ્થિતિમાં લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. જો બહાર જવાનું એકદમ જરૂરી હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળો.

આ પણ વાંચો : PM મોદીની મુલાકાત બાદ Google પર લક્ષદ્વીપ સૌથી વધુ સર્ચ થયું, છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો !

દિલ્હી-NCRમાં આજે પણ વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં આજે હળવો વરસાદ થઈ શકે છે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે, કારણ કે આ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઠંડીના કારણે ફ્લાઈટ્સ અને ટ્રેનોના સમયપત્રકમાં બદલાવ થઈ શકે છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં ઉના, સુંદરનગર, સોલન, કુલ્લુ, સિસુ વગેરે શહેરોમાં પારો માઈનસમાં જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પણ પારો માઈનસમાં છે. પંજાબ અને ચંદીગઢમાં સોમવારે હળવો તડકો રહ્યો હતો, પરંતુ ઠંડા પવનોએ પરેશાન કર્યા હતા. સોમવારે હરિયાણાના અંબાલા જિલ્લામાં તાપમાન 4.9 ડિગ્રી નોંધાયું હતું.