ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125% ટેરિફ બોમ્બ; જાણો તમામ માહિતી

Donald Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ત્યારે ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે, જ્યારે વિશ્વના મુખ્ય દેશો વચ્ચે વેપારનો તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને વૈશ્વિક મંદીની આશંકા વધી રહી છે. એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે, આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલો ‘યુ-ટર્ન’ છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું, ‘મેં 90-દિવસના પોઝને અધિકૃત કર્યો છે, જે દરમિયાન અન્ય દેશો માટે પારસ્પરિક ટેરિફ ઘટાડીને 10% કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક અસરકારક છે.’
અમેરિકા-ચીન વેપાર તણાવ વચ્ચે ટ્રમ્પનું આ અત્યાર સુધીનું સૌથી આક્રમક પગલું માનવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘વિશ્વ બજારો પ્રત્યે ચીન દ્વારા દર્શાવવામાં આવેલા અનાદરના જવાબમાં અમેરિકા હવે 125% ડ્યુટી વસૂલશે. ચીને સમજવું પડશે કે, અમેરિકા અને અન્ય દેશોનું શોષણ હવે સહન કરવામાં આવશે નહીં.’
બુધવારે અગાઉ, ચીને પણ અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પરનો ટેક્સ વધારીને 84 ટકા કર્યો હતો, જે પહેલા 34 ટકા હતો. ચીનના વિદેશ મંત્રાલયે આ પગલાની ટીકા કરી અને કહ્યું કે, તે તેના કાયદેસર અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે નક્કર અને મજબૂત પગલાં લેશે.
ભારત સહિત 75 દેશને રાહત
હાલમાં અમેરિકાના આ ટેરિફ અભિયાનમાં ભારત સહિત 75 દેશોને રાહત મળી છે. આ દેશો પર નવા ટેરિફ દરો લાગુ થશે નહીં અને તેમને 90 દિવસની છૂટ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી ફક્ત 10% ફી લેવામાં આવશે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે જણાવ્યું હતું કે, જે દેશો અમેરિકા સામે બદલો લેવાની કાર્યવાહી ટાળશે તેમને તેનો બદલો મળશે. તેમણે કહ્યું કે, મેક્સિકો અને કેનેડાને 10% ટેરિફ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે, જે તેમને રાહત આપશે.
બેસન્ટે કહ્યું કે, બજારની પ્રતિક્રિયાને કારણે 90 દિવસનો ‘વિરામ’ લેવામાં આવ્યો ન હતો. બજાર સમજી શક્યું નહીં કે, ટેરિફ પ્લાન પહેલાથી જ તેના મહત્તમ સ્તરે છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે ચીન સતત સંઘર્ષના માર્ગે આગળ વધી રહ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય દર્શાવે છે કે, અમેરિકા હવે પાછળ હટશે નહીં.