ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આવતા મહિને જશે સ્પેસ સ્ટેશન

Indian astronaut: ભારત ફરી એકવાર અવકાશના અંધકારમાં સોનેરી ઈતિહાસ લખવા તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાની મદદથી ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થશે. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે આ અંગે માહિતી આપી હતી. નોંધનીય છે કે, શુભાંશુ છેલ્લા 8 મહિનાથી નાસા અને પ્રાઈવેટ સ્પેસ કંપની એક્સિઓમ સ્પેસ સાથે ટ્રેનિંગ લઈ રહ્યા છે. શુભાંશુને જે મિશન માટે સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવી રહ્યા છે તે એક ખાનગી કોમર્શિયલ મિશન છે અને તેના માટે ભારતે લગભગ 60 મિલિયન ડોલર ચૂકવ્યા છે.

મંત્રી જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘ભારત તેની અવકાશ યાત્રામાં નિર્ણાયક અધ્યાય લખવા તૈયાર છે. ભારતીય અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લઈ જવાનું મિશન આવતા મહિને મે 2025માં યોજાવાનું છે. તેણે લખ્યું, ‘ગ્રુપ કેપ્ટન શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બનશે અને સોવિયેત સોયુઝ અવકાશયાનમાં રાકેશ શર્માની 1984ની આઇકોનિક ફ્લાઇટ પછી ચાર દાયકામાં અવકાશમાં પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી હશે.

સૌથી યુવા અવકાશયાત્રી
શુભાંશુ શુક્લા ISRO દ્વારા પસંદ કરાયેલા સૌથી યુવા અવકાશયાત્રી છે. તે માત્ર 40 વર્ષના છે અને સ્પષ્ટપણે તેની આગળ લાંબી કારકિર્દી છે. આ મિશનના કમાન્ડર NASAના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસન હશે, જે હવે Axiom Space માટે કામ કરે છે. ISS જતી ચાર લોકોની આ ટીમ SpaceX ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલમાં બેસશે. તેને સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન અમેરિકાના ફ્લોરિડામાં સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે.