July 4, 2024

ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓને ઝટકો, સ્ટુડન્ટ વિઝા ફીમાં બમણો વધારો!

Australia: ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો લાગી શકે છે. હકીકતમાં, તાજેતરમાં જ વડા પ્રધાન એન્થોની અલ્બેનિસની સરકારે સ્ટુડન્ટ વિઝા ફી બમણી કરતાં વધુ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના ગ્રુપમાં ભારતીયો બીજા સ્થાને છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયન સરકારે માઈગ્રેશન પર નિયંત્રણ માટે આ પગલું ભર્યું છે.

નવી સિસ્ટમ હેઠળ હવે વિદ્યાર્થીઓએ 1600 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવા પડશે. આ આંકડો અગાઉ 710 ઓસ્ટ્રેલિયન ડોલર હતો. એટલું જ નહીં, ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝિટલ અને મેરીટાઇમ ક્રૂ વિઝા ધારકો હવે ઓસ્ટ્રેલિયામાં તેમના રોકાણ દરમિયાન વિદ્યાર્થી વિઝા માટે અરજી કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ તેની અસર થવાની શક્યતા છે.

આ પણ વાંચો: OMG… અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી, જનજીવન અસ્ત-વ્યસ્ત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોમ અફેર્સ અને સાયબર સિક્યોરિટી મિનિસ્ટર ક્લેર ઓ’નીલે કહ્યું કે, ‘આજે અમલમાં આવી રહેલા ફેરફારો આપણી આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીની અખંડિતતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને એક સ્થળાંતર સિસ્ટમ બનાવવામાં મદદ કરશે. જે નિષ્પક્ષ હશે, નાનું હશે અને ઓસ્ટ્રેલિા માટે સારુ પરિણામ આપનારું હશે.

અહેવાલ છે કે ઓસ્ટ્રેલિયન સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેન્યુઈન વિદ્યાર્થીઓ જ વિઝા મેળવી શકે અને દેશની અર્થવ્યવસ્થાને મદદ કરી શકે. સરકારી આંકડા દર્શાવે છે કે 2022માં ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ સિવાય જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 સુધીમાં 1.22 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા.