September 8, 2024

BCCIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય

Team India: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટી અપડેટ જાણવા મળી રહી છે. જેમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય. તે પોતાની મેચો શ્રીલંકા અથવા દુબઈમાં કરાવવાની માંગ કરી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI સાથે કરેલી વાતચીત અનુસાર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. શ્રીલંકા અથવા દુબઈમાં ટુર્નામેન્ટ યોજવા માટે કહેશે. ભારતીય સરહદ પર આતંકવાદી પ્રવૃતિઓમાં પાકિસ્તાનની સંડોવણીને કારણે વિખવાદ હજું શમ્યો નથી. સરહદ પર સમયાંતરે નાપાક ઈરાદાઓ પાકિસ્તાનના ઉઘાડા પડ્યા છે. જ્યારે પાડોશી દેશના રાજકારણીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે આગ ઓકતા રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ હજુ આવ્યું નથી, પરંતુ કામચલાઉ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

PCBએ ICCને પોતાની વાત કરી દીધી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ICCને તારીખો અને સ્થળ સાથે સૂચિત ફિક્સ્ચર લિસ્ટ મોકલી આપ્યું છે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટ ત્રણ સ્થળો પર યોજાઈ શકે છે. જેમાં તારીખ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી મેચ કરાચી, રાવલપિંડી અને લાહોરમાં રમાશે. જ્યારે ફાઈનલ 9મી માર્ચે યોજાવાની છે. 50 ઓવરના ફોર્મેટ સાથેની આઈસીસી ઈવેન્ટ 8 વર્ષ બાદ શરૂ થઈ રહી છે. તેમાં ગયા વર્ષના ODI વર્લ્ડ કપની ટોચની આઠ ટીમનો સમાવેશ થશે. આઠ ટીમોને ચારના બે ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવશે. જેમાં પ્રત્યેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે. યજમાન પાકિસ્તાન કટ્ટર હરીફ ભારત, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ Aમાં છે, જ્યારે ગ્રુપ Bમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આ સમગ્ર આયોજન પાર પડે તો ટુર્નામેન્ટમાં કોઈ મોટો ફેરફાર થવાની પૂરી શક્યતાઓ ઊભી થઈ શકે.

સૂચિત કાર્યક્રમ આવો હોઈ શકે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન છેલ્લે 2013માં દ્વિપક્ષીય શ્રેણી રમવા આવ્યું હતું. આ બંને ટીમો વચ્ચેની મેચ ફક્ત ICC અથવા ACC ઇવેન્ટ્સમાં જ થાય છે. તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ 2024માં, બાબર આઝમની કપ્તાનીવાળી ટીમને રોહિતની ટીમ ઈન્ડિયાએ ખરાબ રીતે પરાજય આપ્યો હતો. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત આવી હતી. ત્યાં પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. સૂચિત કાર્યક્રમ મુજબ, ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ લાહોરમાં બાંગ્લાદેશ સામે તેના ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરવાની છે. જ્યારે એક દિવસ પહેલા, યજમાન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યુઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે.

આ પણ વાંચો: જુઓ Virat Kohliનું નવું ઘર, શાનદાર ઈન્ટિરિયર જોઈને સ્તબ્ધ થઈ જશો

ક્યો દેશ યજમાની કરશે
શેડ્યૂલ મુજબ, ભારતની તમામ ગ્રુપ મેચો માટે લાહોરનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 1 માર્ચે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાઈ શકે એમ છે. જ્યારે તે પહેલા મેન ઇન બ્લુ 23 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે મેચ રમશે. એવા પણ અહેવાલો છે કે, જો ભારત અંતિમ ચારમાં પહોંચશે તો તેની સેમિફાઇનલ લાહોરમાં રમાશે. રાઉન્ડ-રોબિન સ્ટેજ 2 માર્ચે સમાપ્ત થશે. જ્યારે બે સેમિફાઇનલ અનુક્રમે કરાચી અને રાવલપિંડીમાં 5 અને 6 માર્ચે થશે. ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. આવું આયોજન પાકિસ્તાનમાં રમાનારી ટુર્નામેન્ટનું છે. હવે જો આ આખો શેડ્યુલ બદલાઈ જાય તો પાકિસ્તાન સિવાય બીજા કોઈ દેશમાં સમગ્ર ટુર્નામેન્ટ રમાઈ શકે છે. વાવડ એવા મળ્યા છે કે, ઈન્ડિયન ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં જાય. બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી આ ટ્રોફીને લઈને સત્તાવાર કોઈ વાત સામે આવી નથી. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓની નજર નવો ક્યો દેશ યજમાની કરે એના પર છે.