ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, આયર્લેન્ડને 304 રને હરાવી 3-0થી વ્હાઇટવોશ કર્યો
રાજકોટ: ભારતીય ટીમે બુધવારે (15 જાન્યુઆરી) આયર્લેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત ODIમાં 400 પ્લસનો સ્કોર કર્યો હતો. પુરૂષ અને મહિલા બંને ટીમોમાં પણ સૌથી વધુ સ્કોર થયો હતો. આ પછી ટીમે પ્રથમ વખત ODIમાં 300થી વધુ રનના માર્જિનથી જીત પણ મેળવી હતી. મહિલા ક્રિકેટમાં આ એક મોટો રેકોર્ડ છે.
આયર્લેન્ડની ટીમ 31.4 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ
ભારતીય મહિલા ટીમે ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રને હરાવીને સિરીઝ જીતી લીધી છે. ભારતે આ સિરીઝમાં આયર્લેન્ડને 3-0થી વ્હાઇટવોશ કર્યો હતું. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બીજી વનડે 116 રનથી અને પ્રથમ મેચ છ વિકેટે જીતી હતી. બુધવારે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા પ્રતિકા રાવલ (154) અને સ્મૃતિ મંધાના (135)ની જોરદાર ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટે 435 રન બનાવ્યા હતા. તેની સામે આયર્લેન્ડની ટીમ 31.4 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતની સૌથી મોટી જીત
ભારતે આયર્લેન્ડને 304 રને હરાવીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. મહિલા વનડેમાં રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પોચેફસ્ટ્રુમમાં આયર્લેન્ડને 249 રનથી હરાવ્યું હતું. આ મેચ 2017માં રમાઈ હતી.