January 8, 2025

સરકારી શિક્ષકથી IPS બનવા સુધીની સફર, જાણો કોણ છે હર્ષદ મહેતા

અમદાવાદઃ ગુજરાત પોલીસમાં એક અદના અધિકારી તરીકે ઓળખ ધરાવનારા IPS હર્ષદ મહેતાના રાજીનામાને સરકારે સ્વીકારી લીધું છે. લોકોમાં તેમની છબી એક સારા અધિકારી, ઇમાનદાર અધિકારી તરીકેની હતી. ત્યારે આવો જાણીએ તેમની SP બનવા સુધીની સફર…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું
હર્ષદ મહેતાનો જન્મ 26મી મે, 1974ના દિવસે અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના નાનકડા એવા ગરમલી ગામમાં થયો હતો. તેમના પિતા બાબુભાઈ નિવૃત્ત શિક્ષક હતા. તેમના માતાનું નામ નર્મદાબેન. હર્ષદ મહેતા 4 ભાઈઓમાં 3જા હતા. તેમને બે મોટા ભાઈ અને એક નાનો ભાઈ હતો. તેમણે અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે MA કર્યું હતું. પછી શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી.

શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી
શરૂઆતમાં હર્ષદ મહેતાએ દમણની સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષકની ફરજ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાં 1 વર્ષ સુધી નોકરી કર્યા પછી તેઓ લાઠીમાં આવેલી કલાપી સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી વિષય ભણાવતા હતા. અહીં તેમણે સતત 2 વર્ષ સુધી ફરજ બજાવી હતી. ત્યારબાદ વર્ષ 2001માં તેમણે GPSCની પરીક્ષા આપી હતી. જેમાં પ્રિલિમ મેઇન પાસ કરીને ઇન્ટરવ્યૂ આપ્યું. પરંતુ કમનસીબે ચાર વર્ષ બાદ એટલે કે વર્ષ 2004માં પરિણામ આવ્યું હતું, ત્યારે કટ ઓફ માર્ક્સમાં માત્ર 6 માર્ક્સ માટે તેઓ રહી ગયા હતા. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાર્ટ ટાઇમ M.Edનો કોર્ષ કર્યો હતો. ત્યારબાદ લાઠીની સરકારી નોકરી છોડી રાજકોટ આવ્યા અને TN રાવ કોલેજમાં B.Ed, M.Edમાં લેક્ચરર તરીકે કાર્યરત થયા હતા.

27મા રેન્ક સાથે GPSC પાસ કરી હતી
તેમણે વર્ષ 2007માં ફરીવાર GPSCની પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા પાસ કરી હતી અને ઇન્ટરવ્યૂ ક્લિઅર કર્યું હતું. ત્યારબાદ 4 વર્ષ પછી તેમનું રિઝલ્ટ આવ્યું અને તેઓ 27મા ક્રમાંક સાથે પાસ થયા હતા. આ સાથે જ તેમની DySP પદે નિમણૂક થઈ હતી. ત્યારબાદ પાંચ વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં રાજ્ય સરકાર દ્વારા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ એટલે કે SP તરીકે પ્રમોશન મળ્યું હતું. આ પહેલાં તેમણે વડોદરા જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ, બોટાદ SP, સુરત DCP તરીકે ફરજ બજાવી છે અને હાલ જૂનાગઢમાં એસપી તરીકે કાર્યરત હતા.