July 1, 2024

ઈરાને ઈરાકમાં ઈઝરાયેલના ‘મોસાદ હેડક્વાર્ટર’ પર મિસાઈલ છોડી, 4 લોકોના મોત

બગદાદ : ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે સીરિયા અને ઈરાકના કેટલાક વિસ્તારોમાં ઇઝરાયલી સંસ્થા મોસાદના હેડક્વાર્ટર મિસાઈલ હુમલા કર્યા છે. મળતી માહિતી મુજબ આ હુમલો રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. સત્તાવાર IRNA ન્યૂઝ એજન્સી અનુસાર ઇરાકી કુર્દિસ્તાનની રાજધાની એર્બિલમાં “જાસૂસીનું મુખ્ય મથક” અને “ઇરાની વિરોધી જૂથોને” ને નષ્ટ કરી દીધું હતું. માહિતી અનુસાર આ હુમલો ખૂબ જ ખતરનાક હતો. આ હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડે અમેરિકન એમ્બેસીની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ હુમલા બાદ એરબિલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. કુર્દીસ્તાન ડેમોક્રેટિક પાર્ટીએ માહિતી આપતાં કહ્યું કે માર્યા ગયેલા ઘણા નાગરિકોમાં દેશના અગ્રણી બિઝનેસમેનનો સમાવેશ થાય છે.

ડિસેમ્બરમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 11 ઈરાની પોલીસ અધિકારીના મોત થયા
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ હુમલો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. સીરિયા પરનો હુમલો આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાઓના જવાબમાં હતો જેમાં દક્ષિણી શહેરો કરમાન અને રસ્કમાં ઈરાનીઓને માર્યા હતા. મળતી માહિતી મુજબ 3 જાન્યુઆરીએ દેશના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 90 લોકોના મોત થયા હતા. ઈરાનના સરકારી મીડિયાના અહેલાવ મુજબ સુલેમાનીની હત્યાની ચોથી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન આ વિસ્ફોટો થયા હતા. ઉલ્લેખનીય છે કે રસ્કમાં પોલીસ સ્ટેશન પર ડિસેમ્બરમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 11 ઈરાની પોલીસ અધિકારીઓ મૃત્યુ પામ્યા હતા. આ હુમલાની જવાબદારી જેહાદી જૂથ જૈશ અલ-અદલ સંગઠને લીધી છે. આ જેહાદી જૂથ જૈશ અલ-અદલ સંગઠનની રચના 2012માં થઈ હતી. બીજી બાજુ રિવોલ્યુશનરી ગાર્ડે એમ પણ કહ્યું હતું કે તેણે ઇરાકના સ્વાયત્ત કુર્દિસ્તાન ક્ષેત્રમાં કથિત ઇઝરાયેલી “જાસૂસ હેડક્વાર્ટર” પર હુમલો કર્યો હતો. જેનો અહેવાલ ઈરાનની ન્યૂઝ એજન્સી દ્વારા આપવમાં આવ્યો હતો.