November 2, 2024

યુદ્ધ ઇરાન-ઇઝરાયલ વચ્ચે થશે ‘ને તહેવાર આપણાં બગડશે, વાંચો એનાલિસિસ

અમદાવાદઃ રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ હજી પત્યું નથી ત્યાં ઇરાન પણ તેમાં ભેરવાયું છે. ઈરાને મંગળવારે ડઝનબંધ મિસાઈલો છોડીને ઈઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી છે. ભલે આ યુદ્ધ હજારો કિલોમીટર દૂર લડવામાં આવે છે, પરંતુ તેની સીધી અસર ભારત અને તેના લોકો પર જોવા મળશે. લગભગ અઢી વર્ષ પહેલાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે તમને તે પરિસ્થિતિ યાદ હશે કે, કેવી રીતે કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા હતા.. તેવી પરિસ્થિતિ આ વર્ષે પણ સર્જાય તેવી શક્યતા છે.

ઈઝરાયલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ છે, જ્યારે ઈરાન તેલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. અત્યાર સુધી સારું છે પરંતુ ભારત માટે ખરાબ બાબત એ છે કે તેના બંને દેશો સાથે મોટા વેપાર સંબંધો છે. સ્વાભાવિક છે કે જો આ બંને દેશો એકબીજા સાથે યુદ્ધ કરશે તો તેની અસર ભારત અને તેની અર્થવ્યવસ્થા તેમજ સામાન્ય માનવીને ચોક્કસપણે થશે. સોનાના ભાવમાં પણ અસમાન વધારો થઈ શકે છે અને તેની સીધી અસર આપણા આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારો પર પણ જોવા મળશે.

ભારતનો વેપાર મુશ્કેલ બનશે
લાલ સમુદ્રમાં તણાવથી ભારત પહેલાથી જ પરેશાન હતું અને દરિયાઈ માર્ગે તેના વેપારને અસર થઈ રહી હતી. હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ આ રસ્તો વધુ મુશ્કેલ બની શકે છે. સૌથી મોટી વાત એ છે કે ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે બનાવવામાં આવનાર ઈકોનોમિક કોરિડોર (IMEC)નો એજન્ડા પણ અટકી શકે છે. આ પ્રોજેક્ટ સુએઝ કેનાલ પર ભારતની નિર્ભરતા ઘટાડશે. વર્તમાન પરિસ્થિતિને કારણે ભારતની શિપિંગ કોસ્ટ વધી શકે છે.

આયાતને અસર થશે
આપણે ઈરાનથી તેલ આયાત કરીએ છીએ, જેની અસર ચોક્કસપણે થશે. જે દિવસે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી હતી તે જ દિવસે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 4 ટકાનો વધારો થયો હતો. આ માત્ર શરૂઆત છે, જો વાતાવરણ વધુ બગડે તો આ કિંમત 150થી 200 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. દેખીતી રીતે, 85 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરતા ભારતના આયાત બિલ પર બોજ વધવાનું નિશ્ચિત છે.

એવું નથી કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર માત્ર તેલ પર જ જોવા મળશે. જો આ લડાઈ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો સોનું મોંઘું થશે અને શેરબજારમાં ઘટાડો જોવા મળશે. હકીકતમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા આવતાં જ અમેરિકન શેરબજારમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. આવતીકાલે ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળશે. હવે જો બજારમાં ઘટાડો થશે તો રોકાણકારો સોના તરફ દોડશે. જો વૈશ્વિક બજારમાં સોનાની કિંમત વધે તો તહેવારો દરમિયાન તમારે મોંઘા સોનું અને ચાંદી ખરીદવી પડી શકે છે. સ્વાભાવિક છે કે, બંને દેશો વચ્ચેનું આ યુદ્ધ આપણા તહેવારને બગાડી શકે છે.