December 23, 2024

રેલ્વે શેરના રાજાના વેલ્યૂએશન વધ્યા, પણ હવે શું?

યશ ભટ્ટ,અમદાવાદ: વાત છે રેલ્વે શેરના કિંગ, રોકાણકારોને માલામાલ કરનાર અને થોડા સમયથી થાક દૂર કરી તેજ ગતીએ દોડનાર શેર IRCTCની. પાછલા ત્રણ મહિનામાં IRCTC 37 ટકા ભાગી ચુક્યો છે. નિફ્ટીના ત્રણ મહિનાના રિટર્ન માત્ર 12 ટકાના છે. એટલે નિફ્ટીની સરખામણીએ IRCTCએ દોડ તો સારી લગાવી છે.

આવક સ્થિર જોવા મળી
હાલમાં જ કંપનીના ત્રીજા ત્રિમાસીકના પરિણામો પણ આવ્યા. જે એકંદરે સારા રહ્યા. જોકે એક વાત આપણે એ પણ સ્વિકારવી પડે કે હંમેશા IRCTC માટે ત્રીજા ત્રિમાસીકમાં સારા પરિણામો આવતા જ હોય છે. આ વખતે કેટરિંગ અને ટૂરીઝમથી થયેલ આવકમાં સારો સુધારો જોવા મળ્યો. સામે ઈન્ટરનેટથી ટિકીટ બૂકિંગની આવક સ્થિર જોવા મળી. પાણીની બોટલ વેચીને થતી કમાણીએ પણ કઈ ખાસ ફાયદો ન કરાવ્યો, એટલેકે એકંદરે પરિણામોમાં કઈ ખાસ એવું નથી જોવા મળ્યું જે રોકાણકારોને આવનારા દિવસો માટે IRCTCમાં રોકાણ કરવા અથવા બનાવી રાખવા આકર્ષે.

આવકનો વિકાસદર
પ્રાથમીક દ્રષ્ટીએ જુઓ તો IRCTC બેશકિંમતી શેર છે. રેલ્વે ટિકીટ, કેટરીંગ, પાણીની બોટલ અને ટુરીઝમના કારોબારમાં IRCTCની મોનોપોલી છે. પરંતુ કોરાબારમાં વૃદ્ધિની દ્રષ્ટીએ આ શેર પાસે જગ્યા બહુ ઓછી બાકી બચી છે. માર્જીનમાં હવે વૃદ્ધિની કોઈ જગ્યા નથી. જેથી હવે આવકનો વિકાસદર પણ ઠંડો રહેવાની શક્યતા છે. ઉપરથી શેરના વેલ્યુએશન એટલા વધી ગયા છે કે તેના પાયાના સંકેતોથી આ શેર કઈક અલગ જ સ્તરે આવી પહોંચ્યો છે.

નવી કેટરીંગ પોલિસી
આ વખતના ત્રિમાસીક પરિણામોમાં આવક વાર્ષિક સ્તરે સુધરી જરૂર છે. સાથે ઈન્ટરનેટ ટિકીટ બુકિંગ કારોબાર પણ સુધરેલો છે. પરંતુ ઓપરેટીંગ માર્જીનને થોડી નકારાત્મક અસર પહોંચી હતી. ખાસ તો કેટરીંગ અને ટુરીઝમ સેક્ટરની આવક સારી વધી. પરંતુ આ કારોબાર માર્જીનની દ્રષ્ટીએ ઓછી કમાણી કરાવે છે. હવે માર્જીનમાં સુધારો કરવા માટે IRCTCના મેનેજમેન્ટ દ્વારા લોન્ગ ટર્મ કોન્ટ્રાક્ટની રણનિતી અપનાવાઈ છે. જેને નવી કેટરીંગ પોલિસી નામ આપવામાં આવ્યું છે.

અજ્ઞાત સ્થિતી ઉદ્ભવી
આ વખતે પાણીના કારોબારમાં IRCTCને પ્રોવીઝનિંગ કરવું પડ્યું. જેની રકમ 14.5 કરોડ રૂપીયા થાય છે. હવે PPP ધોરણે ચાલતા રેલ નીર પ્લાન્ટમાં ભારતીય રેલ્વેને નફાનો 40 ટકા હિસ્સો ચુકવવાનો રહેશે. જે પહેલા 15 ટકા હતો. આ વધારાના હિસ્સાની ચુકવણી માટે કંપનીને પ્રોવિઝન કરવું પડ્યું. હવે આ રકમથી કંપનીની નાણાંકિય સ્થિતીને બહુ મોટી અસર નહીં પડે. પણ આવી રીતે પોલિસીને લગતી અનિશ્ચિતતાઓને કારણે એક અજ્ઞાત સ્થિતી ઉદ્ભવી છે.

હવે આગળ શું?
ઈન્ટરનેટ ટિકીટીંગ કારોબારના માર્જીન 80 ટકાથી પણ વધારે છે. હવે આ સ્થિતીમાં માર્જીનમાં વધારાની આશા નહિંવત્ત થઈ ગઈ છે. મધ્યમ અવધી માટે નવી 475 વંદે ભારત ટ્રેન જે આવનારા 3 વર્ષમાં લોન્ચ થશે તે સારી વાત જરૂર ગણી શકાય. આ નવી ટ્રેનમાં રેલ નિરને નવું માર્કેટ પણ મળશે. મેનેજમેન્ટ હજુ પણ કનવિનીયન્સ ફી સીવાયની આવક પર ધ્યાન રાખી રહ્યું છે. પરંતુ આ સેગમેન્ટમાં ગ્રોથ થોડો ઓછો જ રહેશે તેવા સંકેતો છે.

બિઝનેસને અસર
દરેક બિઝનેસમાં મામુલી ગ્રોથની આશા વચ્ચે મોટા કદનો સીધો ગ્રોથ પેસેન્જર ટ્રેનની સંખ્યામાં મોટા વધારા બાદ જ જોવા મળશે. મેનેજમેન્ટ એમ પણ કહી રહ્યું છે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને કારણે નવી પેસેન્જર ટ્રેનની સંખ્યામાં વધારો આવી શકે. આ બાબતને નકારી ન શકાય. IRCTC લોન્ગ ટર્મ માટે પોઝિટીવ છે એ વાત પાક્કી પરંતુ જો મોનોપોલીને કોઈ પડકાર આવ્યો તો આ બિઝનેસને અસર પડી શકે.

સુધારાની શક્યતા
આથી જ નાણાંકિય પર્ફોમન્સ 18.5 ટકા આસપાસ રહેવાની શક્યતા છે. મોટાભાગે સુધારો આવી શકે પરંતુ ઈન્ટરનેટ ટિકીટીંગના માર્જીનમાં સુધારાની શક્યતા નહીંવત્ત હોવાના કારણે હવે IRTCT થોડો ધીમો પડી શકે છે. સરકારી શેરમાં આવેલી તેજીને કારણે IRCTCના વેલ્યુએશન સારા એવા વધી ચુક્યા છે. જેથી હવે કોઈ ઘટાડો આવે અને વેલ્યુએશન સસ્તા થાય પછી જ અહીં નવી ખરીદી કરવા માટે વિચારી શકાય.

આ લેખમાં આપવામાં આવેલી રોકાણની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે, ન્યૂઝ કેપિટલ વેબસાઈટ કે તેના સ્ટાફ દ્વારા નહીં. ન્યૂઝ કેપિટલ આપને કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના નાણાંકિય સલાહકારની સલાહ લેવાનો આગ્રહ કરે છે.