December 23, 2024

PATAN: ગોખાતર ગામડીમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં ગેરરીતિ સામે આવી

પાટણ: પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ગોખાંતર ગામડી ખાતે મનરેગા યોજના તળે ચાલતી કામગીરીમાં ગેરરીતી આચરવામાં આવી હોવાની બુમરાડ ઉઠવા પામે છે. ગ્રામીણ વિસ્તારમાં લોકોને રોજગારી આપવાના હેતુ તળેની યોજનામાં જીસીબીથી કામ કરાવી ખોટા માસ્ટર બનાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. અરજદાર દ્વારા લેખિતમાં અરજી આપી તપાસ માંગ કરી છે.

સાતલપુર તાલુકાના ગોખાંતર ગામડી ખાતે મનરેગા યોજના તળે તા.4 એપ્રિલના રોજ ચોકડીઓ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મનરેગા યોજના હેઠળ ગામના લોકોને રોજગારી આપવાને બદલે ચોકડીઓ ખોદવાની કામગીરી જીસીબી મશીન દ્વારા કરવામાં આવી હતી.જેને લઈને ગામના ઠાકોર કેશાજી અંબારામ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા મનરેગા યોજના તળે ગામના લોકોને રોજગારી આપવાના બદલે કામગીરી મશીનરીથી કરાવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતમાં મેટ તરીકે ફરજ બજાવતા ઠાકોર ઓખાજી વિરમજી દ્વારા પોતાના સગા સંબંધીઓ તેમજ મળતીયાઓના નામનું ખોટું મસ્ટર બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પણ અરજદાર દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે મસ્ટરમાં જણાવેલ કેટલાક નામો વાળા લોકો ગામમાં રહેતા ન હોવાનું પણ અરજદારે જણાવ્યું હતું. મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકોને 100 દિવસ રોજગારી આપવાનો ઉદ્દેશ હોવા છતાં ગોખાંતર ગામડીમાં મશીનથી કામ કરાવી ખોટા મસ્ટર બનાવી યોજનાનો હેતુ ના આવ્યો હોઈ આ બાબતે તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવા અરજદાર દ્વારા માંગ કરવામાં આવી હતી.

અરજદારની અરજીને પગલે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી મનરેગા નું કામકાજ હાલ બંધ રાખવામાં આવ્યું છે અને આ અંગેની તપાસ કરી અહેવાલ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.